ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વૃદ્ધ મહિલાને નિશાન બનાવી સોનાની ચેઇન ખેંચીજવાની ઘટના સામે આવી છે. લક્ષ્મીનારાયણ ફળિયામાં રહેતાં ૬૨ વર્ષીય જ્યોત્સનાબેન પટેલ તેમના પતિ સાથે એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યાં હતાં, ત્યારે પાછળથી બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે તેમના ગળામાંથી આશરે રૂ. ૨.૬૦ લાખની કિંમતની સોનાની ચેઇન ખેંચી લીધી હતી. આ અંગે તેમના પુત્ર દર્શનકુમાર પટેલે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ધટનાની મળતી માહિતિ મુજબ ભરૂચના ઝાડેશ્વર ચોકડી પાસે રવી કિરણ કોમ્પ્લેક્સમાં છેલ્લા દસ વર્ષથી ઓરેન્જ મેડિકલ નામની દુકાન ચલાવતા દર્શનકુમાર પટેલ તા.૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે તેમના પરિચિતના ઘરે બેસણું હોવાથી તેમનાં માતા-પિતા એક્ટિવા લઈને ગયા હતા. બપોરે આશરે ૧૨ વાગ્યે તેઓ ઘરે પરત ફરી રહ્યાં હતાં, ત્યારે લક્ષ્મીનારાયણ મંદિર તરફથી એક અજાણ્યો બાઇકચાલક તેમની એક્ટિવાની પાછળ આવ્યો હતો.અને આરોપીએ જ્યોત્સનાબેનના ગળામાં પહેરેલી આશરે ૨૦ ગ્રામ વજનની ૨૨ કેરેટ સોનાની ચેઇન ખેંચી લીધી હતી અને બાઇક લઈને ઝાડેશ્વર બસ સ્ટેન્ડ તરફ ફરાર થઈ ગયો હતો.

આ બનાવ બાદ જ્યોત્સનાબેને ઘરે પહોંચીને પુત્રને જાણ કરી હતી. પુત્રએ આસપાસના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરી હતી, પરંતુ તેનો પત્તો મળ્યો નહોતો.ધટના અંગે જ્યોત્સનાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ હેલ્મેટ અને ખાખી રંગનું જેકેટ પહેર્યું હતું તથા તેની પાસે કાળા રંગની બાઇક હતી. વૃદ્ધ માતા સાથે બનેલી ઘટનાને પગલે પુત્રએ અજાણ્યા બાઇકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here