ગુજરાત કબડ્ડી લીગ (GKL) સીઝન-1માં ભરૂચનું પ્રતિનિધિત્વ કરતી ‘ભરૂચ લાયન્સ’ ટીમની ફ્રેન્ચાઇઝી શરૂ થતાં ભરૂચના રમતગમત ક્ષેત્રમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિયેશન અને સીડી સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત આયોજન હેઠળ યોજાનારી આ લીગ ગુજરાતના કબડ્ડી ખેલાડીઓને વ્યાવસાયિક સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.
‘ભરૂચ લાયન્સ’ ટીમનો મુખ્ય ઉદ્દેશ ભરૂચની કબડ્ડી પ્રતિભાને યોગ્ય તક પૂરી પાડવાનો, સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો અને ભરૂચને રાજ્યના કબડ્ડી નકશા પર નવી ઓળખ અપાવવાનો છે.ભરૂચ માટે ગૌરવની બાબત એ છે કે અશ્વિની ડેવલપર્સ સાથે સંકળાયેલા ચાર મિત્રો રાજશેખર દેશાન્વર, ડૉ. વિક્રમભાઈ, માર્ગેશ રાજ અને હર્ષભાઈના સહયોગથી ‘ભરૂચ લાયન્સ’ ટીમની ફ્રેન્ચાઇઝી ખરીદવામાં આવી છે. ભરૂચના રોટરી ક્લબ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ટીમના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને ફ્રેન્ચાઇઝી સંબંધિત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ લીગમાં કુલ આઠ ફ્રેન્ચાઇઝી ટીમો ભાગ લેશે. સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 400થી 500 ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 140 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. દરેક ટીમમાં 14 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે.આ સાથે ગુજરાત કબડ્ડી લીગ માટે ભરૂચના કુલ છ ખેલાડીઓની પસંદગી થઈ છે, જે સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવની બાબત છે. ખાસ કરીને ભરૂચની ઓક્સિલિયમ સ્કૂલમાં અભ્યાસ કરતો યુવા ખેલાડી યુવરાજ ગુજરાત કબડ્ડી લીગમાં સમગ્ર ગુજરાતના સૌથી નાની વયના ખેલાડી તરીકે પસંદ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. યુવરાજની આ સિદ્ધિ ભરૂચના અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે.
‘ભરૂચ લાયન્સ’ના ફ્રેન્ચાઇઝી ઓનર્સે ભરૂચમાં કબડ્ડી રમતના વિકાસ, નવી પ્રતિભાઓને આગળ લાવવા અને ખેલાડીઓને વધુ સારી તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ ટીમ દ્વારા ભરૂચના રમતપ્રેમીઓમાં કબડ્ડી પ્રત્યેનો ઉત્સાહ વધશે અને આવનારા સમયમાં વધુ ખેલાડીઓ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ સ્થાપિત કરી શકશે તેવી આશા છે.





