દહેજથી જંબુસર તાલુકાના મંગણાદ તરફ હેઝાર્ડ વેસ્ટ લઈ જતી કંપનીઓની બેદરકારીના કારણે જાહેર માર્ગો પર કેમિકલયુક્ત પ્રવાહી અને કચરો ઢોળાવાની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેને પગલે આમોદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે અને જાહેર જનતા તેમજ પર્યાવરણને જોખમમાં મૂકનારા ત્રણેય ટ્રક ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાઇવે પર કેમિકલ ઢોળાવાની ગંભીરતાને જોતાં આમોદ પોલીસે કાયદાનો કોરડો વિઝ્યો છે. કચરાના અસુરક્ષિત પરિવહન અને જાહેરમાં જોખમ ઊભું કરવા બદલ પોલીસે ત્રણેય ટ્રકોના ચાલકો વિરુદ્ધ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ જોખમી કચરાના પરિવહન માટેના સુરક્ષા નિયમોનું કેટલું પાલન થાય છે .
કેમિકલ ઢોળાવાની પ્રથમ ઘટના 2 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે બની હતી. દહેજ સ્થિત એમ.એસ. રોહા ડાયકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી સૂકો અને લીલો કેમિકલ વેસ્ટ ભરીને મંગણાદ તરફ જઈ રહેલી ટ્રક પાછળના ભાગમાંથી કેમિકલ જેવું ઝેરી પ્રવાહી ધોરીમાર્ગ પર ઢોળાતું હતું. જેના કારણે અન્ય વાહનો સ્લિપ થવાનું જોખમ ઊભું થયું હતું. પોલીસે આ મામલે ટ્રક ચાલક યોગેશ રામજી બાંભણિયા સામે ગુનો નોંધ્યો છે.
કેમિકલ ઢોળાવાની બીજી ઘટના 24 સપ્ટેમ્બરના રોજ બની હતી. દહેજની એમ.એસ. બીવીસી સ્પેશિયાલિસ્ટ પ્રા.લી. કંપનીમાંથી ટ્રકમાં હેઝાર્ડ વેસ્ટની જમ્બો બેગ ભરીને મંગણાદ લઈ જવાતી હતી. આ મુસાફરી દરમિયાન જમ્બો બેગ ફાટી જતાં કેમિકલનું સતત લીકેજ થતું હતું અને સમગ્ર પંથકમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ હતી. પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડવા બદલ પોલીસે ટ્રક ચાલક વિકાસ દુર્ગા પ્રસાદ મિસ્ત્રી સામે ગુનો નોંધ્યો હતો.
કેમિકલ ઢોળાવાની ત્રીજી ઘટના 28 સપ્ટેમ્બરના રોજ નોંધાઈ હતી. દહેજની જાણીતી મેઘમણી કંપનીમાંથી જોખમી કચરો ભરીને મંગણાદ તરફ જતી ટ્રક માંથી રાત્રિના અંધકારમાં કેમિકલ વેસ્ટ રસ્તા પર ઢોળાયો હતો. આ જોખમી પરિસ્થિતિ સર્જવા બદલ આમોદ પોલીસે 24 વર્ષીય ટ્રક ચાલક સોમા પગી સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.





