ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા સ્થિત સાયખા GIDCમાં આવેલી સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં શુક્રવારે મોડી રાતે હાઈડ્રોજીનેશન દરમિયાન રીએક્ટર બ્લાસ્ટ થતાં 5 યુવાનોના મોત જ્યારે 6 ઇજાગ્રસ્ત થયા છે.
ઔધોગિક ગઢ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDC માં હજી એક વર્ષ પહેલાં જ શરૂ થયેલી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર જિલ્લાને હચમચાવી દીધો છે. સાયખાની સિનઝીલ ફાર્માકેમમાં ઉત્પાદન વેળા તીવ્ર ધડાકો થયો છે. કંપનીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દરમીયા 15kl નું રીએક્ટર ફાટતા જાનમાલની તબાહી સર્જાઈ છે.
બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના 15 કિલોમીટર સુધીના વિસ્તારમાં તેનો અવાજ સંભળાયો હતો. ઔદ્યોગિક હોનારતમાં 5 કામદારના મોત થયા છે. જ્યારે 6 કામદારો ઇજાગ્રસ્ત થયાની વિગતો સામે આવી છે.
રીએક્ટર બ્લાસ્ટ સાથે જ MDC મેથિલિન ડિક્લોરોરાઇડ લીકેજ થતા તેની અસરથી કંપની પરિસર અને બહાર ધૂળિયા વાતાવરણ છવાઈ જવા સાથે કામદારો ગેસથી તકલીફનો પણ ભોગ બન્યા હતા. ધડાકાના આઘાતથી પ્લાન્ટની ભારેખમ મશીનરીના પાર્ટ્સ અને પતરાં દૂર દૂર સુધી વેરવિખેર થઈ ગયાં હતાં. ઘટનાને પગલે આસપાસની કંપનીઓ અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોના ટોળે-ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
બ્લાસ્ટ બાદ કંપનીમાંથી ગેસનું ગળતર થતાં સ્થળ પર હાજર લોકો અને કામદારોમાં આંખોમાં તીવ્ર બળતરાની ફરિયાદો ઉઠી હતી. ઘટનાસ્થળે સતત એમ્બ્યુલન્સના સાયરનો ગૂંજી ઉઠતાં ભયનો માહોલ ફેલાયો હતો.
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ, વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ભરૂચ વડોદરા સહિતની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મોટી ઔધોગિક હોનારત અંગે GPCB અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ DISH વિભાગની ટીમે પ્લાન્ટ પર પહોંચીને ધડાકો થવાના કારણો અને સુરક્ષાના સાધનો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
ચાર મૃતકોની ઓળખમાં વાગરાના 27 વર્ષીય શિફ્ટ ઇન્ચાર્જ જયદીપ પટેલ, 24 વર્ષીય અનિકેતકુમાર હરિકિશોર, 20 વર્ષીય અર્જુન રામસિંહ ગૌતમ અને વૃંદ તાલવિયા તરીકે થઈ છે. જ્યારે અન્ય એક મૃતક અને ઇજાગ્રસ્તોના નામ તંત્ર દ્વારા મેળવાય રહ્યાં છે.
મૃતકોના નામ
1. ભાવિક વસાવા
2. અર્જુન કુમાર ઉ.વ.20)
3. અનિકેત કુમાર (ઉ.વ.22)
4. જયદીપ પટેલ
5. વૃંદ તલાવિયા
ઈજાગ્રસ્તોના નામ
1. પ્રિયાંશુ કુમાર
2. પવન કુમાર (ઉ.વ.26)
3. પ્રતીક પ્રજાપતિ
4. મોસમ કુમાર





