ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં થયેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. 17 જુલાઈના રોજ મળેલી સામાન્ય સભામાં એજન્ડાના મુદ્દાઓ પર ચર્ચા કર્યા વિના ઠરાવો મંજૂર કરાયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના સભ્યોએ ફરિયાદ કરી હતી. આ મામલે પ્રાદેશિક કમિશનરની કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી. તેના સંદર્ભમાં પ્રાદેશિક કમિશનર તરફથી પ્રમુખ, મુખ્ય અધિકારી સહિતને નોટિસ આપવામાં આવી છે.
17 જુલાઈએ યોજાયેલી સામાન્ય સભામાં ચેરમેનની નિમણૂક બાદ એજન્ડાના ક્રમ નંબર 4થી 29 સુધીના પ્રજાલક્ષી મુદ્દાઓ પર પૂરતી ચર્ચા કરવામાં આવી નહોતી. વિપક્ષના સભ્યોને રજૂઆત કરવાની તક આપ્યા વિના જ આ મુદ્દાઓ મંજૂર કરી દેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, સભા ઉતાવળે પૂર્ણ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. રાષ્ટ્રગીતના સન્માનને લઈને પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. તેના સંદર્ભમાં સત્તાવાર રીતે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. પ્રાદેશિક કમિશનર એસ.ડી.વસાવાની કોર્ટ સમક્ષ આગામી તા. 29મી ઓક્ટોબરના રોજ સવારે 11.30 કલાકે રૂબરૂ સુનાવણી રાખવામાં આવી છે.
આ સુનાવણી સુરતના સુડા ભવન ખાતે યોજાશે. પ્રાદેશિક કમિશનરની નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપવામાં આવ્યો છે. તમામ સામાવાળાઓએ નિર્દિષ્ટ તારીખે અને સમયે જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે રૂબરૂ હાજર રહેવું પડશે.આ આખી પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીને કેસ સંબંધિત તમામ કાગળોની નકલો નિયમ મુજબ ફી લઈ પૂરી પાડવા અધિકૃત કરાયા છે. આ સાથે જ ચીફ ઓફિસરને તમામ પક્ષકારોને નોટિસની બજવણી કરાવી તાત્કાલિક હકીકતલક્ષી અહેવાલ મોકલવા આદેશ કરાયો છે. કેસના અસલ રેકોર્ડ અને ઝેરોક્ષ નકલ સાથે નિયત મુદતે કેસના જાણકાર કર્મચારીને હાજર રાખવા પણ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.





