ભરૂચ શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં આવેલા કચરાના મોટા સ્પોટને દૂર કરવાની સાથે ત્યાં મિની ગ્રીન પાર્ક, ગ્રીનરી, પેવર બ્લોક, બેઠક વ્યવસ્થા અને અન્ય જાહેર સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી માંગ સાથે વોર્ડ નંબર ૨ના કાઉન્સિલરો સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ અને નફીસા પટેલ તેમજ વોર્ડ પ્રમુખ ઇકબાલભાઈ પટેલ અને આગેવાનો સફીક સલ્લુ તથા બાબુ પટેલ દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી અને મુખ્ય અધિકારીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે માત્ર કચરો હટાવી દેવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે નહીં. જે સ્થળોએ વર્ષોથી કચરો એકત્ર થાય છે, ત્યાં કાયમી વિકાસ અને નિયમિત દેખરેખની વ્યવસ્થા કરવી જરૂરી છે. આવા સ્થળોને સુંદર અને ઉપયોગી જાહેર સ્થળોમાં પરિવર્તિત કરવામાં આવે તો શહેરની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો થઈ શકે છે.
કાઉન્સિલરોએ જણાવ્યું કે ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા દરેક વિસ્તારમાં નિયમિત અને સમયસર ઉપલબ્ધ થાય તે અત્યંત જરૂરી છે. કચરા કલેક્શન વાહનોના નિર્ધારિત રૂટ અને સમય નક્કી કરવામાં આવે, સેવાની નિયમિત દેખરેખ રાખવામાં આવે અને બેદરકારી માટે જવાબદારી નક્કી કરવામાં આવે. ઘરેથી જ કચરાનો સમયસર નિકાલ થશે તો જાહેર સ્થળોએ કચરો એકત્ર થવાની સમસ્યામાં ઘટાડો થઈ શકશે.
વોર્ડ નંબર ૨ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના સ્પોટનું સર્વેક્ષણ કરી તબક્કાવાર વિકાસ કરવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને ધોબી તળાવ પાસે, ડુંગરી પાણીની ટાંકી પાસે, આખરી મંજિલ કબ્રસ્તાન રોહિતવાસ પાસે, ડબીપુરા મસ્જિદ પાસે, લક્ષ્મીનગર પાસે, સિરાજ પાર્કની સામે, રેહાન ફ્લેટની સામે અને હુસેનીયા રોડ પર આવેલા સ્થળોનો સર્વે કરી સ્થાનિક જરૂરિયાત મુજબ વિકાસ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
આ સ્થળોએ ઉપલબ્ધ જગ્યા અને તકનીકી શક્યતાઓને ધ્યાનમાં રાખીને પેવર બ્લોક, વૃક્ષારોપણ, ગ્રીનરી, બેઠક વ્યવસ્થા, ડેકોરેટિવ લાઇટિંગ તથા જરૂરી હોય ત્યાં સિનિયર સિટીઝન માટે ગેઝિબો જેવી સુવિધાઓ ઊભી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ, સ્વચ્છતા અંગેના સંદેશા દર્શાવતા બોર્ડ, જરૂરી સ્થળોએ ડસ્ટબિન અને નિયમિત સફાઈની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે.વોર્ડ નંબર ૨ના કાઉન્સિલરો અને આગેવાનોએ નગરપાલિકા સમક્ષ શહેરના તમામ મુખ્ય કચરાના સ્પોટનો સર્વે કરી તબક્કાવાર અમલીકરણની યોજના તૈયાર કરવા તથા કામગીરી વહેલી તકે શરૂ કરવાની માંગ કરી છે.





