
ભરૂચ એસઓજી પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ગેસ રીફિલિંગના બે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે અલગ-અલગ સ્થળેથી કુલ રૂ. 69,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રથમ કેસમાં, દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના જાગેશ્વર ગામમાં આવેલી ‘શ્રી દેવ સ્ટીલ સેન્ટર’માંથી લહેરૂ ગોરધભાઈ ગુજ્જર અને તેના સાગરીત શાંતિલાલ ઉર્ફે ગોવર્ધન ભુરાલાલ ગુજ્જરની ધરપકડ કરવામાં આવી. આ સ્થળેથી ઈન્ડિયન કંપનીની 19 કિલોની 7 બોટલો, 6 કિલોની 8 બોટલો, વિવિધ પ્રાઈવેટ કંપનીની 5 કિલોની 28 બોટલો, અંબે કંપનીની એક બોટલ સહિત રીફિલિંગ પાઈપ અને ઈલેક્ટ્રિક વજન કાંટો મળી કુલ રૂ. 49,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
બીજા કેસમાં, જોલવા ગામે મિલેનિયમ માર્કેટ પાસે આવેલી આરાધ્ય ગેસ સર્વિસમાંથી શશી જદુ કેવટની ધરપકડ કરવામાં આવી. અહીંથી ઈન્ડેન, ભારત અને રિલાયન્સ કંપનીની વિવિધ ક્ષમતાની ગેસ બોટલો, રીફિલિંગ પાઈપ અને ઈલેક્ટ્રોનિક વજન કાંટો મળી કુલ રૂ. 19,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. બંને કેસમાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી એસઓજી ટીમે એટીએસ ચાર્ટર મુજબ કરી હતી.