ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા બજાવતા ડો. કૃણાલ ચાપાનેરીએ થર્ડ મેન ઓફ સ્ટીલ બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં મિસ્ટર ભરૂચ 2023-24 ના બે એવોર્ડ અંકે કર્યા છે.
ભરૂચ બોડી બિલ્ડીંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં મોદીની વાડી ખાતે સ્પર્ધા યોજાઈ હતી. થર્ડ મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચ 2023-24 ની સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાઈ હતી.
જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડો. કૃણાલ ચાપાનેરીએ બોડી બિલ્ડીંગ ક્લાસિક અને મેન્સ ફિઝિક્સ 170 સેમી ઉપરની બે કેટેગરીમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે. સ્પર્ધામાં કુલ 110 થી વધુ બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો.
વિજેતાઓને એસોસિએશનના પ્રમુખ નરેશ ઠક્કર, ઉપપ્રમુખ સંદીપ વિઠલાની, ટ્રેઝરર જીજ્ઞેશ રાજપૂત સહિતના તરફથી પ્રમાણપત્ર સાથે ટ્રોફી એનાયત કરાઈ હતી.ડો. કૃણાલ છેલ્લા 8 વર્ષથી ફિટનેસ પર પૂરૂ ધ્યાન આપી વર્ક આઉટ કરી રહ્યા છે. તેઓએ કોઈ સ્ટીરોઇડ કે પ્રોટીન પાઉડર લીધા વગર નેચરલ બોડી બનાવી છે. ખાસ ડાયટમાં કઠોળ, દ્રાયફૂટ, પનીર, સિંગદાણા લઈ રહ્યા છે. તેઓ 5 વર્ષથી ખાંડ કે કોઈ સ્વીટ આરોગતા નથી. સાથે જ મેંદા અને રિફાઇન તેલથી દૂર રહી ઘાણીનું તેલ જ આરોગે છે. અગાઉ બે વખત તેઓ વિજેતા બન્યા છે જોકે પેહલી વખત પ્રથમ ક્રમ બે કેટેગરીમાં મેળવી મિસ્ટર ભરૂચ બન્યા છે.