ભરૂચ ખાતે ભારતીય ટાઇગર ટ્રાઇબલ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશ ચૌધરીના નેતૃત્વમાં જિલ્લા કલેકટરને એક આવેદન પાઠવી દેશની એકતા અને અખંડતાને નુકસાન પહોંચાડનારા આવા ઇસમોની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
આવેદનમાં ઉલ્લેખાયા મુજબ ગત તા.૧૭/૧૨/ર૦૨૩ના રોજ ડાંગના સાપુતારા મુકામે હનુમાનજી મંદિરના લોકાર્પણનો એક કાર્યક્રમ હતો.દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાની દ્વારા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજને વનવાસી કહીને સંબોધિત કરવામાં આવ્યા હતા. જે સદંતર આદિવાસીઓની જે આદિવાસી તરીકેની ઓળખ છે એને ભુંસી નાખવા માટેના ષડ્યંત્રના ભાગ રૂપે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમના દ્વારા આ રીતે આદિવાસી વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ કાર્યક્રમમાં આ ઇસમ દ્વારા આદિવાસી સમાજના મસિહા અને નેતા ઝઘડિયા મત વિસ્તારના પુર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને દેડિયાપાડાના પુર્વ ધારાસભ્ય મહેશભાઇ વસાવા ઉપર ગંભીર આક્ષેપો કરેલ છે અને એમને પ્રાણી કહી અપમાન કરેલ છે અને એમના સમર્થકોને ગીધડોનું ટોળું કહેલ છે. આ રીતે આ મંદબુદ્ધિ ઇસમ દ્વારા બેફામ વાણી વિલાસ કરીને આદિવાસી સમાજનું અપમાન કરેલ છે. જે ચલાવી લેવામાં નહિં આવે.
વળી વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાની દ્વારા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકોને ધાર્મિક રીતે ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એમના દ્વારા આદિવાસી સમાજના લોકોને હિંદુ ધર્મના નામે ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આ આવેદન પત્ર આપી ભારતીય ટાઇગર ટ્રાઇબલ સેના દ્વારા માંગ કરાઇ છે કે આવા દેશની એકતા અને અખંડતાને નુકસાન પહોંચાડનારા ઇસમોની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને લડાવવા માટે જે ષડ્યંત્રો થઈ રહ્યા છે તે રોકવામાં આવેતેમજ આદિવાસી સમાજના નેતાઓ અને આદિતાસી સમાજનું અપમાન કરવા બદલ આ ઇસમ વિરૂધ્ધ એટ્રોસીટી કાયદો ૧૯૮૯ અંતર્ગત ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
જો તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ દ્વારા મોટા પાયે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે જેની સંપુર્ણ જવાબદારી સરકારની રહેશેની ચિમકી પણ ઉચ્ચારી હતી.