હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગૃપ કેપ્ટન વરૂણ સિંહની હાલત ગંભીર છે, પરંતુ તે સ્થિર છે. વાયુસેનાના અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. ગૃપ કેપ્ટન વરૂણ સિંહ 8 ડિસેમ્બરના હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત અને અન્ય 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગૃપ કેપ્ટન વરૂણ સિંહ હાલ બેંગલુરૂની કમાન્ડ હોસ્પિટલમાં દાખલ છે. આખો દેશ ગૃપ કેપ્ટન વરૂણ સિંહના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે.

તેના માતા-પિતા પણ બેંગ્લોર પહોંચી ગયા છે. જ્યારે તેણે પોતાના પુત્રને ICU ની બહારથી જોયો તો તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પરંતુ પછી પોતાની જાતને સંભાળીને કહ્યું કે મારો પુત્ર યોદ્ધા છે અને આ લડાઈમાં પણ જીતીને પાછો ફરશે. વરૂણ સિંહ વિશેની આ માન્યતા માત્ર તેના માતા-પિતાની જ નહીં પરંતુ તેને ઓળખનાર દરેક વ્યક્તિની પણ છે, કારણ કે તેના જુસ્સા અને હિંમતને કારણે ગૃપ કેપ્ટન વરૂણ સિંહ આ પહેલા પણ મોતને હરાવી ચૂક્યા છે.

ગૃપ કેપ્ટન વરૂણ સિંહે અગાઉ ગયા વર્ષે તેજસ એરક્રાફ્ટની ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન મોટી ટેકનિકલ ખામી સર્જાતાં કટોકટીમાં એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું અને તે બચી ગયા હતા. તેમની બહાદુરી માટે તેમને આ વર્ષે શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. વરૂણ સિંહને આ વર્ષની શરૂઆતમાં વીરતા માટે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

ગૃપ કેપ્ટન વરૂણ સિંહ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રૂદ્રપુર તાલુકામાં આવેલા કનહોલી ગામના વતની છે. વરૂણ સિંહ હાલમાં ભારતીય વાયુસેનામાં ગૃપ કેપ્ટન તરીકે પોસ્ટેડ છે અને તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ ના ડાયરેક્ટીંગ સ્ટાફ છે. વરૂણ સિંહના પિતા કર્નલ કેપી સિંહ પણ સેનામાંથી નિવૃત્ત છે. જો કે હાલમાં તેનો પરિવાર મધ્યપ્રદેશના ભોપાલમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here