આજના જમાનામાં તમે જાણો છો કે ધંધા વ્યાપાર કે સારી પોસ્ટ માટે માત્ર સારી ડિગ્રી જ નહી પણ સારા અનુભવ ની પણ વિશિષ્ટ માંગ રહે છે. અનુભવ નુ ઘણું મોટું મૂલ્ય છે.
જૈનાચાર્ય રાજયશસુરિ મહારાજે ઉકતાશય ના ઉદ્દગાર વિશાળ સભાને ઉદબોધન કરતા જણાવેલ કે માનવભવની દુર્લભતા અને આત્માની વાત સમજનાર સંસારી જીવની વિવશતા છે કે એનું ઘણુંખરું જીવન શરીરને કેન્દ્રિત થઈને જ ચાલતું હોય છે. શરીરને આહાર પાણી આપવા આવશ્યક તો છે જ પરંતુ એ આપવા માત્રથી શરીરની આવશ્યકતા પૂરી થઈ જતી નથી. ક્યારેક તો એવું લાગે છે કે શરીરને માટે સામગ્રી એકત્રિત કરવામાં જ જીવન પૂર્ણ થઈ જાય છે.
કોઈ શાયરે કહ્યું છે તેમ ” સામાન સો બરસ કા, પલ કી ખબર નહીં ” એક શેઠે એક આલીશાન બંગલો બનાવ્યો અને આલીશાન ફર્નિચર માટે સ્પેશિયલ ઊંચી ક્વોલિટીનુ લાકડું મંગાવ્યું. કારીગરોને કહે કે મોંઘુ એવું આ લાકડું સો વરસ ચાલે તેમ છે. કામ સારું કરજો. શેઠે કારીગરોને આ એક ની એક વાત બે ત્રણ વાર કહી એટલે કારીગરે ગુસ્સાથી કહ્યું…. શેઠ તમને પંચોતેર વર્ષ તો થઈ ગયા છે. શું તમે બસો વર્ષ જીવવાના છો?.
આયુષ્યને જૈન ધર્મની ફિલોસોફી પ્રમાણે પ્રાણ માનવામાં આવે છે. માનવને દશ પ્રાણ હોય છે. પાંચ ઇન્દ્રિય, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય. આયુષ્ય પુરૂ થઈ જાય છે ત્યારે માનવનું મૃત્યુ થઈ જાય છે. લોક વ્યવહારમાં પણ આપણે બોલીએ છીએ કે ફલાણી વ્યક્તિના પ્રાણ ચાલ્યા ગયા.આચાર્ય એ જણાવેલ કે માત્ર દેહના માટે જ નહિ પણ દેવત્વ પ્રગટાવવા માટે આપણું જીવન છે. અને આ વાતને જીવનમાં દ્રઢ કરવા માટે જ શાસ્ત્રકારોએ મૂર્તિપૂજા અને મૂર્તિપૂજા ના વિકાસ અને વિસ્તારને મહત્વ આપ્યું છે.
મૂર્તિપૂજા ના માધ્યમથી જ બાળકમાં પ્રભુ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે છે. ધર્મ સંસ્કારો શીખવા મળે છે. બાળકમાં દાન અને ત્યાગના બીજ રોપાય છે.આચાર્ય એ બાળકોના સંસ્કારો પર ભાર મૂકતાં જણાવેલ કે ગુજરાતમાં એવી સ્કૂલો તૈયાર થઈ ગઈ છે કે જ્યાં વગર પરીક્ષાએ પણ શાસ્ત્રોમાં બતાવેલી કળાઓ શીખવવામાં આવે છે. અમારી પાસે તપોવનના બાળકો આવે છે તો તેઓના સંસ્કાર-વિનય-વંદનવિધિ અને આલાપ-સંલાપ પરથી ખબર પડી જાય કે આ તપોવનનો સંસ્કારિત વિદ્યાર્થી છે.