ભરૂચના દરિયા કિનારે આજે ગુરૂવારે બપોરથી બિપોરજોય વાવાઝોડાની વિપરીત અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે. સરેરાશ 51 કિમીની ઝડપે તુફાની વાયરા સાથે દરિયો પણ તોફાની બન્યો હતો.
દહેજ બંદરે 4 દિવસથી વાવાઝોડા બીપોરજોયને લઈ એલર્ટ વચ્ચે ગુરૂવારે બપોરથી વાવાઝોડાની અસર વર્તાવવાની શરૂઆત થઈ ગઈ હતી. પ્રતિ કલાકે 51 કિલોમીટરની ઝડપે દરિયા કાંઠા વિસ્તારોમાં પવન ફૂંકાતા ગ્રામજનો, વાહનચાલકો, વીજ કંપની સાથે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી.જિલ્લાના 122 કિમીના દરિયા કાંઠે કરંટ વધવા સાથે મોજા વધુ તોફાની બન્યા હતા. દરમિયાન બપોર સુધી જબુસરમાં માત્ર એક મિમી વરસાદ નોંધાયો હતો.ચાર દિવસથી 3 તાલુકાના 44 ગામોને એલર્ટ વચ્ચે સાગર તટથી 7 કિમીમાં આવેલા 26 ગામો અને અગારીયાઓ પર તંત્રે વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.વાવાઝોડાને લઈ જિલ્લા વહીવટી, પોલીસ, ડિઝાસ્ટર, વીજ કંપની, એસ.ટી. તંત્ર પેહેલથી જ સતર્ક હોય અગમચેતીના તમામ પગલાં લઈ હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખી રાહત તેમજ બચાવ માટે ખડેપગે છે.