ઝઘડીયા તાલુકાના નવાપોરા ગામે થોડા દિવસો પુર્વે એક મકાનની બહાર પાર્ક કરેલ ટીવીએસ જ્યુપિટર મોપેડની કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ઉઠાંતરી કરી પલાયન થઇ જવાની ફરિયાદ રાજપારડી પોલીસના ચોપડે નોંધાઇ હતી.
આ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે ઝઘડીયાના નવાપોરા ગામે એક મકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ મકાનમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કર્યો હતો. પરંતુ મકાનમાંથી કોઇ કિમતી ચીજવસ્તુઓ હાથ નહિ લાગતા ચોરોએ નવી તરકીબ અપનાવી મકાનમાં મળી આવેલ ટીવીએસ જ્યુપિટર મોપેડની ચાવી મેળવી મોપેડ ચાલુ કરી ફરાર થઇ ગયા હતા.આ ગુના સંદર્ભમાં રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઇ.એ ચોરોને શોધી કાઢવા ટીમની રચના કરી વધુ તપાસ હાથધરી હતી.
દરમિયાન આ બન્ને તસ્કરો ટીવીએસનુ મોપેડ લઇને અવિધા ગામ તરફથી રાજપારડી ગામ તરફ આવી રહ્યા છે, તેવી બાતમી પી.એસ.આઇ.ને મળતા બાતમી વાળા સ્થળે પી.એસ.આઇ.ના માર્ગદર્શન હેઠળ પોલીસના જવાનો પહોંચી ગયા હતા અને વોચ તપાસમાં હતા. ત્યારે ચોરી થયેલ ટીવીએસ જ્યુપિટર મોપેડ હંકારી લાવતા નવાપોરા ગામના નરેશ ગોવિંદ વસાવા અને શ્રવણ રામાભાઇ વસાવાને આ ચોરીના ગુના સંદર્ભે ઝડપી પાડી ટીવીએસ ઝ્યુપિટર મોપેડ ૬૯ હજાર રૂપિયાનું કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.