ભરૂચ જીલ્લો અને છોટાઉદેપુર જીલ્લાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ એસ.એચ.૬૪ ઉપર માત્ર ૧૦૦ કી.મી.ના અંતર વચ્ચે અંદાજે ૭ જેટલી પોલીસ ચેકપોસ્ટો ઉભી કરી દેવાતા અત્રેના માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યોછે.ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામથી છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ગામ સુધી રાજ્ય ધોરીમાર્ગ એસ.એચ.૬૪ ઉપર માત્ર ૧૦૦ કી.મી.ના અંતર દરમિયાન ૭ પોલીસ ચેકપોસ્ટો આવતી હોઇ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અત્રેના માર્ગ પરથી રોજીંદા પસાર થતા વાહન ચાલકોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તરફથી ઝઘડીયા,અંકલેશ્વર,ભરૂચ તરફ પસાર થતી વખતે પોલીસ વિભાગની વાહન ચેકિંગ કરવા ઉભી કરાયેલી ચેકપોસ્ટો પર લોખંડના બેરીકેડો માર્ગની વચ્ચે ગોઠવેલા હોઇછે અને આ લોખંડના બેરીકેડો પર રાત્રી દરમિયાન કોઇ રિફલેક્ટર લાઇટોનો પ્રકાશ નહિ હોવાથી અજાણ્યા વાહન ચાલકોને આવા બેરીકેડો નજરે પડતા નથી જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યોછે.
ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર-નર્મદા -ભરૂચ આમ કુલ ૩ જીલ્લા પસાર કરતા કુલ ૭ પોલીસ ચેકપોસ્ટોથી વાહન ચાલકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. પોલીસ ચેકપોસ્ટ ઉપર ગોઠવેલા બેરીકેડો ઉપર તંત્ર રાત્રી દરમિયાન લાઇટો ગોઠવે અને ચેકપોસ્ટ આવતી હોઇ તે અગાઉથી ચેકપોસ્ટ આવશે તેવા સાઇનબોર્ડ મુકવા વાહન ચાલકો માંગ કરી રહ્યાછે.
- કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવા જ પોલીસ ચેકપોસ્ટ ગોઠવાઇ છે
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ પોલીસ ચેકપોસ્ટની ગોઠવણ કરવામાં આવતી હોય છે અને એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં પ્રવેશતા વાહન ચાલકોની જીણવટભરી તપાસ કરવાના હેતુસર ચેકપોસ્ટ મુકવામાં આવેછે કોઇક વખત કોઇ જીલ્લામાં ધાડ,લુટ,હત્યા,ચોરીનો બનાવ બને ત્યારે આવી ચેકપોસ્ટ પર મહત્વની કામગીરી કરવામાં આવેછે અને ગુનાઇત ઇતિહાસ ધરાવતા તત્વો પર વોચ કરવામાં આવતી હોઇછે.જો કોઇ ગુનેગાર કોઇ ગુનો કરી ભાગવાની ફિરાકમાં હોઇ ત્યારે પોલીસ ચેકપોસ્ટો પર વાહન ચેકિંગ દરમિયાન આવા ગુનેગારો આબાદ ઝડપાતા હોવાથી ચેકપોસ્ટો ગુજરાત રાજ્યના નાગરીકોની સુરક્ષા,સલામતી માટે ગોઠવી હોવાનુ જણાવ્યું હતું.
- રિપોર્ટર: ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી