વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં જુના પાદરા રોડ પર આવેલા આવિષ્કાર કોમ્પલેક્ષના સેમી બેઝમેન્ટના પાર્કિંગમાં ચરસ-ગાંજાના દમ મારી રહેલા યુવક-યુવતી સહિત ચારની પોલીસે સોમવારે મધરાતે ધરપકડ કરી હતી. ઝડપાયેલા ચાર પૈકીના બે વિદ્યાનગરમાં બીબીએ અને આઇટી મેનેજમેન્ટમાં અભ્યાસ કરી રહેલા તથા વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા ભાઇ-બહેન હોવાનુ બહાર આવ્યુ છે.
તેઓનો તેમની માતા ઝરીના ચરસ-ગાંજાના સપ્લાય માટે ઉપયોગ કરી રહી છે. જ્યારે અન્ય બે ઝડપાયેલા યુવક – યુવતી વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ કોલાબરા કંપનીમાં નોકરી કરી રહ્યા હોવાનું બહાર આવ્યુ છે. તેઓની પાસેથી ૫૬૨.૧૮ ગ્રામ ગાંજો તથા ૧૦.૨૫ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ચરસ-ગાંજાના આ રેકેટના સૂત્રધાર મનાતી તાંદલજાની ઝરીનાબાનુ સઇદ મુન્સી, અબ્દુલ્લા ઇબ્રાહીમ પટેલ તથા ચકલાસીના દીલીપ કાકાને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જુના પાદરા રોડ પર આવેલા આવિષ્કાર કોમ્પલેક્ષના સેમી બેઝમેન્ટના પાર્કિંગમાં ચરસ – ગાંજાનો વેચાણ થતુ હોવાની બાતમીના આધારે વડોદરા પીસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં બે યુવતી અને બે યુવકની પોલીસે ધરપકડ કરી હતી. આ પૈકીના તાંદલજા વિસ્તારમાં આવેલી શકીલા પાર્ક સોસાયટીમાં રહેતા તથા વિદ્યાનગર ખાતે આઇટી મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહેલા શાકીબ મુન્શીની પોલીસે પૂછપરછ કરતાં તેણે તેની બહેન મુહસીના મુન્શી ચરસ અને ગાંજાનો જથ્થો પોતાની પાસે સંતાડીને રાખે છે. આવિષ્કાર કોમ્પલેક્ષ ખાતે ગ્રાહકને બોલાવીને સપ્લાય કરતી હોવાનું જણાવ્યુ હતું.
પોલીસે મુહસીનાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યુ હતુ કે, હું અને મારો ભાઇ અમારા તાંદલજા ખાતે આવેલી શકિલા પાર્ક સોસાયટી ખાતેના નિવાસસ્થાનેથી જથ્થામાંથી જરૂર મુજબનો જથ્થો લાવીને આવિષ્કાર કોમ્પલેક્ષ ખાતે વેચાણ કરતા હોઇએ છીએ. આ ઉપરાંત તેના સાવકા પિતા અબ્દુલ્લા પટેલ સાથે આણંદ જિલ્લાના ચકલાસી ખાતે રહેતા દિલીપ કાકા નામની વ્યક્તિ પાસેથી ચરસ-ગાંજાનો જથ્થો લાવતા હોઇએ છીએ. છેલ્લે મારી માતા ઝરીનાબાનું જાતે દિલીપ કાકા પાસેથી જથ્થો ખરીદી કરી લાવ્યા હતા. ઝરીનાબાનું ચરસ-ગાંજાનો ઘેરથી સપ્લાય કરતી હોય છે.
પોલીસે આ હકિકતના આધારે તેના તાંદલાજા ખાતેના નિવાસસ્થાને દરોડો પાડતાં ત્યાંથી પણ ચરસ-ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, ઝરીનાબાનું સઇદ મુન્સી તથા તેનો પતિ અબ્દુલ્લા ઇબ્રાહીમ પટેલ બહારગામ ગયા હોવાથી પોલીસના હાથમાં આવ્યા ન હતા.
શાકીબ મુન્શી અને મુહસીના મુન્શી સાથે પોલીસે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા સનસીટી સર્કલ પાસેના લાભ રેસીડન્સીના એ ટાવરમાં રહેતા મીત ધર્મેન્દ્રભાઇ ઠક્કર તથા પાણીગેટ હરીશ પેટ્રોલ પંપ સામે મહાદેવનગર સોસાયટી ખાતે રહેતી નુપુર રાજેશ સહગલની ધરપકડ કરી હતી. મીત ઠક્કરે ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ સુધીનો તથા નુપુર સહગલે માસ્ટર ઇન પલ્બીક હેલ્થનો અભ્યાસ કર્યો છે. આ બંન્ને ગોત્રી વિસ્તારમાં આવેલી કોલાબરા કંપનીમાં નોકરી કરી રહ્યા છે.
પોલીસે આ તમામ પાસેથી ૫૬૨.૧૫ ગ્રામ ગાંજો તથા ૧૦.૨૫ ગ્રામ ચરસનો જથ્થો સહિત અન્ય મુદ્દમાલ કબ્જે કર્યો છે. આ ચારેવ યુવક-યુવતીની ધરપકડ કરીને તેઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ઝરીનાબાનું સઇદ મુન્શી, અબ્દુલ્લા ઇબ્રાહીમ પટેલ તથા ચકલાસીવાળા દિલીપ કાકાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.