જંબુસર નગરના ઓમકારનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી ૪,૧૨,૮૦૦/-ની મત્તાની ચોરી કરીકોઇ ચોર ઈસમો નાસી છુટ્યા જે અંગે જંબુસર પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો.
જંબુસર નગરમાં દિન પ્રતિદિન ચોરીના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. જંબુસર પોલીસ અત્યાર સુધીના ચોરીની ઘટનામાં કાંઈ ઉકાળી શકી નથી અને નિશાચરો પોલીસ પકડથી જોજનો દૂર છે તેમ લાગી રહ્યું છે.ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી હોય પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેમ જનતામાં ચર્ચાઇ રહ્યું છે.
હમણાં વધુ એક ચોરીની ઘટના જંબુસર પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં મૂળ ગજેરાના ઘનશ્યામભાઈ ઉર્ફે બકો જશભાઈ પટેલ હાલ રહે ઓમકાર નગર સોસાયટી જેઓ દિવાળી તહેવાર નિમિત્તે પોતાના માદરે વતન મકાન બંધ કરી ગત તારીખ ૪/૧૧/૨૧ થી ૬/૧૧/૨૧ સુધી ગજેરા ગયાં હતાં તે સમય દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમો બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરની લાકડાની તિજોરી તથા પેટી પલંગમાં મુકેલો સામાન વેરવિખેર કરી પેટી પલંગમાં મુકેલા થેલાંમાંથી સોનાની બુટ્ટી ચાર જોડ, સોનાનું ડોકિયું એક નંગ, સોનાની ચેન એક નંગ ,કડી એક જોડ, સોનાની જળો સોળ નંગ, સોનાની લકી એક નંગ ,રુદ્રાક્ષની લકી એક નંગ, મંગળસૂત્ર એક નંગ, વીંટી બે નંગ, ચાંદીની પાયલ એક જોડ તેમજ રોકડ રૃપિયા ૪૫૦૦૦/- મળી કુલ ૪,૧૨,૮૦૦/- ની મત્તાની ચોરી કરી કોઈ ચોર ઈસમ નાસી છૂટ્યા હતા.
આ બનાવની જાણ ઘનશ્યામભાઇ પટેલ પરત જંબુસર આવ્યા ત્યારે ઘરના દરવાજાનો નકૂચો તૂટેલો અને દરવાજા ખુલ્લા જોયા ત્યારે થઈ હતી.આ બનાવ અંગે જંબુસર પોલીસને જાણ કરતા જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી અને ડોગ સ્ક્વોડની મદદ લઈ ચોર ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ અંગે વધુ તપાસ જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. બારિયા ચલાવી રહ્યાં છે.
•કલ્પેશ નારીયેળવાલા, ન્યુઝલાઇન,જંબુસર