
ભરૂચની 1000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટના લીરેલીરા ભાજપના જ ધારાસભ્યે ઉડાવ્યા છે.ભરૂચ – નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રે અગ્રણી દૂધધારા ડેરીની ચૂંટણી ભાજપના જ ધુરંધરો માટે જાણે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પ્રદેશ ભાજપ CR પાટીલે આપેલા મેન્ડેટની ઐસીતૈસી કરી 12 બેઠકો માટે પોતાના ઉમેદવાર યથાવત રાખ્યા હતા. તેમના એક ઉમેદવાર પ્રકાશ દેસાઈ પહેલાથી જ બિન હરીફ થઈ ગયા છે. હવે 15 પૈકી 14 બેઠકો માટે 19 મી એ ભાજપ વિરુદ્ધ ભાજપ ચૂંટણી જંગ જામશે.
દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે ભાજપ સામે જ ખેલ ખેલ્યો છે. મેન્ડેટ માટે મોવડીઓની મધ્યસ્થી છતાં હવે ચૂંટણી નક્કી થઈ ગઈ છે.ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ આવી ગયું છે. પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાયો પરંતુ ક્ષેત્રીય નેતાઓએ આ પ્રયત્નો પર પાણી ફેરવી દીધું છે. મેન્ડેટ વિરુદ્ધ ભાજપના આગેવાનો સામસામે મેદાનમાં આવી ગયા છે.
ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાની પેનલમાંથી સી.આર. પાટીલના મેન્ડેટ વિરુદ્ધ એક નહીં પણ 12 ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે. અરુણસિંહ રણાના સમર્થનમાં ઊભેલા 3 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પ્રકાશ દેસાઈને માજી ચેરમેન ઘનશ્યામ પટેલે બિનહરીફ બનાવી દીધો છે પણ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ નમતું જોખ્યું નહિ. ઘનશ્યામ પટેલે કહ્યું છે કે, પોતાના પુત્ર સાગર પટેલ સહિત ભાજપનો મેન્ડેટ ન મેળવનાર કેટલાક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી લીધા છે. જેનાથી તેઓ સી આર પાટીલના મેન્ડેટને માન આપી રહ્યા છે.
બીજી તરફ અરુણસિંહ રણા અને પ્રકાશ દેસાઈ તેમની પેનલને ચૂંટણી લડાવવા મક્કમ છે. જો કે અમુલ ડેરીની ચૂંટણી જેવી પરિસ્થિતિ પુનરાવૃત્તિ થાય અને પક્ષ વિરુદ્ધ કાર્ય કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહી થાય તો રણા અને પ્રકાશ દેસાઈની મુશ્કેલી વધી શકે છે.ચૂંટણી પ્રક્રિયાની અંતિમ વિગતો મુજબ, કુલ 21 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે અને 1 બેઠક બિનહરીફ ગઈ છે. હવે 14 બેઠકો માટે 19 સપ્ટેમ્બરએ 30 ઉમેદવારો વચ્ચે મતદાન યોજાવાનું છે.આ બધાની વચ્ચે એક ગણગણાટ એ પણ છે કે, મેન્ડેટ ન મેળવનાર સામે ભાજપ શીસ્તનો કોરડો વીંઝે તો બળવો કરી નવો રાજકીય પક્ષ ઊભો કરવની ચીમકી પણ અપાઈ શકે છે.