દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ છે, અનેક સ્થળોએ નદી-નાળા છલકાયા છે, તેમજ અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે મોઝદા ખાતે આવેલ તરાવ નદી પરના પૂલ પર પાણી ફરી વળતા, ૨૦ થી ૨૫ ગામડાઓ સંપર્ક વિહોણા થઇ જવા પામ્યા છે.

જેમાં નામગીર, ગીચડ, સાંકડી, પીપલોદ, વાઘઉંમર, પાનખલા, ચોપડી, સિગલગભાણ, કોકમ, ડુમખલ, દેવરા, સરિબાર, કણજી, વાંદરી, ખાલ, માંથાશર સહિત અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે.દેડીયાપાડામાં રેકોર્ડબ્રેક 18 ઇંચ વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. નવીનગરીમાં પાણીનો ભરાવો થતાં 300થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. સવારે 8 વાગ્યાથી વરસી રહેલો વરસાદ રાતના 8 વાગ્યે પણ અણનમ રહ્યો હતો. 12 કલાકમાં જ દેડીયાપાડામાં 18 ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું.

મકાનોમાંથી 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને પ્રાથમિક શાળાના મકાનમાં રાખવામાં આવ્યા છે. ધામણખાડીના પુલ ઉપર પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો. ધામણ નદીના પાણી પટેલચાલી અને પારસી ટેકરા વિસ્તારમાં લોકોનાં ઘરોમાં પ્રવેશી ગયાં હતાં.દેડીયાપાડામાં મુશળધાર વરસી રહ્યો છે. હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. સૂકાઆંબા ગામે તળાવ ઓવરફલો થતાં પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. આ સમયે ત્રણ મકાનના લોકો ફસાઇ જતાં તેમને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.દેડીયાપાડામાં 18 ઇંચ વરસાદ વરસતાં પીપલા– કંકાલા માર્ગ ધોવાઇ ગયો છે, જ્યારે ખતામથી કલતર જવાના માર્ગ પર તેમજ કરજણ નદીના નવાગામ પુલ પરથી પાણી ઓવરફલો થઇ વહી રહ્યા છે. આ ઉપરાંત ખોખરાઉમર ગ્રામપંચાયતની દીવાલ તૂટી પડી હોવાના અહેવાલ છે. ચીકદાથી આંબાવાડી જવાનો આંતરિક માર્ગ ધોવાયો છે. માર્ગો ધોવાઇ જતાં ગ્રામ્ય વિસ્તારોનો દેડીયાપાડા તાલુકા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રસ્તાઓ ચાલુ કરવા માટે ટીમો કામે લાગી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here