- વ્હાલી દીકરી યોજના અમલમાં આવતા લાભાર્થીઓની સંખ્યા બેવડાય નહીં તે માટે યોજના બંધ કરવાનો નિર્ણય લેવાયો
રાજ્ય સરકાર દ્વારા ગામડાંની વિદ્યાર્થિનીઓ શાળામાં અભ્યાસ કરતી થાય તે માટે 2002-03માં વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના શરૂ કરી હતી. આ યોજના 19 વર્ષે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2020-21થી વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકતા લાર્ભાર્થી કન્યાઓની સંખ્યા બેવડાય નહીં તે માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આ વર્ષે જે વિદ્યાર્થિનીએ ધો.8 પાસ કર્યું છે તેમને બોન્ડની પાકતી રકમ સત્વરે ચૂકવવા માટે પણ સૂચના અપાઈ છે.
રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વ્હાલી દીકરી યોજના વર્ષ 2020-21થી અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યમાં લાભાર્થીઓની કન્યાઓની સંખ્યા બેવડાય નહીં તેમજ વિશાળ સ્તરે રાજ્યની કન્યાઓને લાભ મળે તે હેતુસર વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંગે માંગવામાં આવેલી ન મોકલવા માટે જણાવાયું છે. ઉપરાંત જે વિદ્યાર્થિનીઓએ આ વર્ષે ધો.8 પાસ કરેલ છે તેમને બોન્ડની પાકતી રકમ સત્વરે ચુકવાઈ જાય તે માટે સૂચના અપાઈ છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કન્યાઓના સાક્ષરતા દર વધારવા અને શિક્ષણમાં કન્યાઓને આગળ લાવવા માટે સરકાર દ્વારા વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના શરૂ કરી હતી. ગામડાઓમાં રહેતી અને ગરીબ પછાત તેમજ અન્ય સમાજ તેમજ વર્ગની કન્યાઓ રહેતી હોય છે તેઓ શિક્ષણથી વંચિત રહેતી હતી. જેથી તેઓ સ્કૂલમાં જતી થાય તેમજ તેમના માતાપિતાને પણ આર્થિક મદદ મળી રહે તે માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના સરકાર દ્વારા 2002-03થી અમલમાં લાવવામાં આવી હતી. રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધારવા માટે જે ગામડાંમાં સ્ત્રી સાક્ષરતા દર 35 ટકાથી ઓછું હોય તેવા ગામોમાં ધો.1થી 100 ટકા કન્યાઓનું નામાંકન થાય અને નવા પ્રવેશ વધે તેમજ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિની ધો.7 સુધી અભ્યાસ ચાલુ રાખે તે માટે આ યોજના તૈયાર કરાઈ હતી. આ યોજનામાં ધો.1માં પ્રવેશ મેળવનાર કન્યાને રૂ. 2 હજારના નર્મદા શ્રીનિધિના બોન્ડ સહાયરૂપે આપવામાં આવે છે.
આ બોન્ડની રકમ કન્યા જ્યારે ધો.8માં અભ્યાસ પુર્ણ કરે ત્યારે આ રકમ વ્યાજ સહિત કન્યાને ચુકવવામાં આવે છે. આ યોજના શરૂ થયાના થોડા જ વર્ષોમાં 7 લાખ જેટલી મહિલાઓને 70 કરોડના બોન્ડ આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ યોજના અંતર્ગત રૂ. 1 હજારના બોન્ડ આપવામાં આવતા હતા.આ યોજનાનો અમલ 2002-03થી કરવામાં આવ્યો ત્યારે પ્રથમ વર્ષે 1.10 લાખ કન્યાઓને આ યોજનાનો લાભ અપાયો હતો. ત્યાર બાદ 2003-04માં 1.54 લાખ, 2004-05માં 1.30 લાખ, 2005-06માં 1.51 લાખ, 2006-07માં 1.46 લાખ, 2007-08માં 1.47 લાખ, 2008-09માં 1.27 લાખ અને 2009-10માં 1.11 લાખ જેટલી કન્યાઓને લાભ આપવામાં આવ્યો હતો. આમ, માત્ર 7 વર્ષમાં જ 7 લાખ જેટલી કન્યાઓને આ યોજનાનો લાભ લીધો હતો. જોકે, હવે અન્ય યોજનામાં તેમને સમાવી લેવાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.