ભારતીય આદિવાસી પાર્ટીના રાજસ્થાનમાં 3 તેમજ મધ્યપ્રદેશમાં 1 ઉમેદવારની ચૂંટણીમાં ભવ્ય જીત થતાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે BAPના મહાસચિવ દિલીપ વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર અને ભારતીય આદિવાસી પાર્ટીના (BAP) મહાસચિવ દિલીપ વસાવાએ પોતાની પાર્ટી બનાવી રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં રાજસ્થાનમાં 3 ઉમેદવાર વિજેતા થયા હતા, તેમજ મધ્યપ્રદેશમાં એક ઉમેદવારનો વિજય થયો હતો.
જેની જીતની ખુશીમાં BAPના મહાસચિવ દિલીપ વસાવા રાજપારડી ચાર રસ્તા ખાતે આવી પહોંચતા કાર્યકરો દ્વારા તેઓનું ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજપારડી ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેઓના સમર્થકો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી જંગમાં ભારતીય આદિવાસી પાર્ટીના 27 જેટલા ઉમેદવારો પૈકી 12થી 15 ઉમેદવારોને 50 હજારથી વધુ મતો મળ્યા છે, ત્યારે આદિવાસી સમાજના નવયુવાનો રાજકારણમાં આગળ આવી સમાજનું ઉત્થાન કરીને ન્યાય અપાવે તેમજ આદિવાસી સમાજના અધિકારો અને હકો બાબતે લોકોમાં જાગૃતિ લાવે તેમ BAPના મહાસચિવ દિલીપ વસાવાએ જણાવ્યું હતું.