ભરૂચ જિલ્લામાં આગામી 10 ઓક્ટોબરના રોજ એક તરફ પીએમ મોદીના કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે ભરૂચમાં એસઓજી દ્વારા વિવિધ હોટલો અને ગેસ્ટહાઉસ સહિતના આશ્રય સ્થાનોમાં ચેકીંગ કર્યું હતું. જેમાં શહેરમાં 3 આશ્રય સ્થાનોમાં સંચાલકો દ્વારા પોલીસ દ્વારા અપોલાં પથિક સોફ્ટવેરમાં તેમના ગ્રાહકોની એેન્ટ્રી કરી ન હોવાનો ઘટસ્ફોટ થતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ભરૂચ શહેર જિલ્લામાં કોઇ પણ વ્યક્તિ કોઇ મોટી ગુનાઇત પ્રવૃત્તિને અંજામ આપવાના ઇરાદે જિલ્લામાં કોઇ પણ સ્થળે રોકાણ કરવાની શક્યતાઓ હોય છે. ત્યારે આવા શકમંદોને તુરંત ઓળખી શકાય તેમજ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકાય તેમ માટ જિલ્લામાં આવેલી દરેક હોટલ-ગેસ્ટ હાઉસ તેમજ મુસાફર ખાનામાં ભરૂચ પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
દરમિયાનમાં 10મી ઓક્ટોબરના રોજ ભરૂચના જંબુસર ખાતે પીએમ મોદીના કાર્યક્રમને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પોલીસ વિભાગ પણ સુરક્ષા કારણોસર વધુ ચોક્કસ બન્યું છે. ભરૂચ એસઓજીની ટીમ દ્વારા શહેર-જિલ્લાની હોટલો, ગેસ્ટહાઉસ, મુસાફરખાના સહિતના આશ્રય સ્થાનોનું ચેકિંગ હાથ ધર્યું છે.
જેમાં ટીમ દ્વારા આશ્રયસ્થાનમાં રોકાયેલાં ગ્રાહકો અંગેની વિગતો પોલીસ વિભાગના પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી થઇ છે કે કેમ તેની તપાસ કરતાં શહેરના સ્ટેશન સર્કલ પાસેની હોટલ શ્રીપ્લાઝા, ફલશ્રુતિ નગર પાસેની સવાનિકા ગેસ્ટહાઉસ તેમજ અંજુમને ઇસ્લામિક મુસાફરખાનામાં ચોક્કસ એન્ટ્રીઓ કરવામાં આવી ન હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે ટીમે ત્રણેય આશ્રયસ્થાનોના મેનેજરો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.