
અંકલેશ્વર શહેર પોલીસે ચૌટા નાકા પાસે આવેલ મેઘના આર્કેટની પાછળના ભાગેના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે ખેપિયાને ઝડપી પાડ્યો હતો. અમરોલીના બુટલેગરે અંકલેશ્વરમાં આ દારૂ મોકલ્યો હતો. પોલીસે કારમાં રહેલા બુટલેગરને ઝડપી પાડીને બે બુટલેગરોને વૉન્ટેડ જાહેર કર્યા છે.
સુરતના અમરોલીના શ્યામ કોમ્પલેક્ષ રહેતો બુટલેગર પોતાની સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર ખાતે મોકલ્યો હતો. જે અંગેની માહિતીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ચૌટા નાકા પાસે આવેલા મેઘના આર્કેટની પાછળના ભાગેના પાર્કિંગમાં ઉભેલી કારને પકડી લીધી હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોંઘા ભાવની 61 નંગ બોટલ કબ્જે કરી હતી. પોલીસે 32 હજારથી વધુનો દારૂનો જથ્થો અને કાર મળી કુલ 2.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કાર સાથે મૂળ સંજાણનો અને હાલ અમરોલીના શ્યામ કોમ્પલેક્ષમાં રહેતો બુટલેગર રોહિત ઉર્ફે ટાલો ગણેશ ઘોડીને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અંકલેશ્વરનો બુટલેગર અલ્પેશ હલદરીયા સહિત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.