- પહેલી બે પત્નીઓને છૂટાછેડા આપ્યાં હતાં
ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલાં ન્યૂ આનંદ નગર ખાતે રહેતી અને દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડની પુત્રીએ ઇરફાન મુખત્યાર શેખ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. જે બાદ તેનું નામ યાસ્મિન રાખવામાં આવ્યું હતું. દાંપત્ય જીવનમાં તેને એક સંતાનનું સુખ પણ પ્રાપ્ત થયું હતું.
છેલ્લા એકાદ વર્ષથી સાદીયાબાનુ આદમ શબુ નામની યુવતિ સાથે તેના પતિને પ્રેમ સંબંધ બંધાતાં તે યાસ્મિન સાથે ઝઘડો કરતો હતો.દરમિયાનમાં તેના પતિ ઇરફાને ધંધાર્થે યાસ્મિનના પિતા પાસેથી કુલ 1.50 લાખ રૂપિયા લીધાં હતાં. તેમજ તેના સોનાની સાધનો પણ વેચી દીધાં હતાં. જે બાદ તે સાદિયાબાનુ સાથે ભાગી ગયો હતો.
જોકે, તેને પકડી લાવતાં તેણે સાદિયા સાથે સંબંધ ન રાખવાની બાંહેધરી આપી હતી. બાદમાં ઇરફાન તેને છુટાછેડા લેવા માટે દબાણ કરી હેરાન કરતો હતો. અરસામાં તેને જાણ થઇ હતી કે, અગાઉ સુરતની શબનમ નામની યુવતિ સાથે લગ્ન કર્યા બાદ તેને સંતાન થતાં તેને છુટાછેડા આપી દીધાં હતાં.
જે બાદ સુરતની જ નાઝ નામની યુવતિ સાથે પણ લગ્ન કરી તેને સંતાન થતાં તેને છોડી હતી. હવે યાસ્મિનને સંતાન થતાં તેણે સાદિયાને પ્રેમજાળમાં ફસાવી હોવાનો આક્ષેપ સાથે તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.