જંબુસર તાલુકામાં આવેલલાં વેડચ ગામે નવી નગરી ખાતે રહેતી એક વિધવા મહિલાએ સંબંધ રાખવાનો ઇન્કાર કર્યો હોવાની રીશ રાખી તેના ગળાના ભાગે ચપ્પાથી ઘા કરી નિર્મમ હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો હતો.
આ બનાવ સંદર્ભે વેડચ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વેડચ ગામે નવીનગરીમાં વેરાઈ માતાના મંદિર પાસે રહેતી બે સંતાનોની વિધવા માતા ઉર્મિલા મહેન્દ્રસિંહ જાદવને ગામના નવી વસાહત વિસ્તારમાં રહેતો વિજય પ્રતાપ જાદવ પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. વારંવાર તે વિધવાને પરેશાન કરતો હતો.
જેમાં ગત રાત્રીએ ઉર્મીલા તેના ઘરમાં સુઇ રહી હતી. તે વેળાં વિજય તેના ઘરમાં ઘુસી ગયો હતો. તેણે ઉર્મિલાએ તેની સાથે સંબંધ ન રાખ્યાની રીશ રાખી તેના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. તેમજ શરીર પર પણ ઘા ઝીંકી દેતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી હત્યાને અંજામ આપી ફરાર થઇ ગયેલાં આરોપી વિજય જાદવને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં હતાં.