- પોલીસે રૂ.63 લાખના 76 કિલોનું ગાંજો જપ્ત કર્યું
અંકલેશ્વરની વાલીયા ચોકડી ઉપર એસઓજી અને જીઆઇડીસી પોલીસ વોચમાં હતી.તે દરમિયાન ચાર પરપ્રાંતીય ટ્રાવેલ બેગ લઈને આવતાં તેમને ચેક કરતાં ગાંજાના 38 પેકેટ મળી આવ્યા હતા.પોલીસે ચારેય પાસેથી 3 મોબાઇલ અને ગાંજો મળીને કુલ રૂ.7.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી માટે જીઆઇડીસી પોલીસને સોંપ્યા છે.
વાલિયા ચોકડીથી સુરત જવાના માર્ગ ઉપર મંગળવારે રાતે 11 વાગ્યાના અરસામાં SOG PI વી.કે.ભૂતિયા અને પીએસઆઇ સહિતનો સ્ટાફ વોચમાં હતો. ત્યારે 4 પરપ્રાંતિયો હાથમાં ટ્રાવેલ બેગ લઈ નજરે પડ્યા હતા. જેઓને અટકાવી પૂછપરછ હાથ ધરાઈ હતી. પોલીસે તેમની પાસેની ચાર ટ્રાવેલ બેગ ખોલાવતા તેમાં ખાખી સેલોટપથી વિટાળેલા 38 પેકેટ મળી આવ્યા હતા. જેને ખોલતા અંદરથી નશાકારક માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે FSL ને બોલાવી તેના સેમ્પલ લેબમાં મોકલી આપ્યા હતા.
એસોજીની ટીમે 76 કિલો 300 ગ્રામ ગાંજાના વિપુલ જથ્થો કિંમત રૂપિયા 7.63 લાખને જપ્ત કરી ઓરિસ્સાના ખોરદા જિલ્લાના બાનપુર તાલુકાના આરોપી પ્રસાદ પ્રમોદ પાંડા, દિનેશ રમેશ શાહુ, મનોજચાંદ ભગવાન ચાંદ અને રાકેશ ગદાધર પ્રધાનની 3 મોબાઈલ સાથે કુલ રૂપિયા 7.68 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જીઆઇડીસી પોલીસે નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.