
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી તેમજ આજુબાજુના ગામોમાં વહેલી સવારે વીજ કંપનીની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વિજીલંસની ટીમોએ એક ડ્રાઇવ અંતર્ગત આકસ્મિક વીજચેકિંગ હાથધરીને ૬૮ જોડાણોમાંથી ૨૫ લાખ ઉપરાંતની વીજચોરી ઝડપી પાડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વિજીલંસની ૩૪ જેટલી ટીમોએ ૨૨ વાહનોના કાફલા સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી બુધવારે વહેલી સવારે રાજપારડી,સારસા,માધવપુરા,વિગેરે વિસ્તારોમાં આકસ્મિક વીજચેકિંગ હાથધર્યુ હતું.
આ દરમિયાન વીજ કંપનીની ટીમોએ ૫૬૫ જેટલા વીજ જોડાણો જીણવટભરી રીતે તપાસ્યા હતા અને તપાસની કામગીરી દરમિયાન કુલ ૬૮ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતીઓ બહાર આવતા ૨૫ લાખ રૂપિયા ઉપરાંતની વીજચોરી ઝડપાવા પામી હતી. વિવિધ પ્રકારે અવનવી તરકીબો વાપરી વીજચોરી કરતા ગ્રાહકોના લંગરીયાઓ,મિટરો,કેબલો વીજ કંપનીએ જપ્ત કરી દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથધરતા વીજળીની ચોરી કરતા લોકોમાં વહેલી સવારે ભારે ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ બુધવારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ દ્વારા વીજચોરી ઝડપી પાડવા એક ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ ડ્રાઇવ અંતગર્ત વીજચોરી ઝડપી પાડવા મોટાપાયે વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું.
- ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી