આમોદ તાલુકાના માતર ગામની વૃદ્ધ મહિલાને ગામના જ યુવાને બાઇક ઉપર સવારી આપી ધોળા દિવસે મહિલાની એકલતાનો લાભ લઇ લૂંટનો કારસો રચી વૃદ્ધ મહિલાની સોનાની બે કડી તથા રોકડા રૂપિયા ૨૦૦ ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ જતા પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આમોદ પોલીસના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના માતર ગામે સુંદરમ ફળિયામાં રહેતા મંજુલાબેન જયંતીલાલ ભટ્ટ ઉ.વ.૬૩ ને તેમના પતિ સામે કોર્ટમાં કેસ ચાલતો હોય તેઓ જંબુસર કોર્ટમાં ગયા હતાં.ત્યાર બાદ તેઓ જંબુસરથી આમોદ તિલક મેદાનમાં આવ્યા હતાં.જ્યાં આમોદ તિલક મેદાનમાં તેમના જ ગામનો હિતેશ રણજીત પરમાર બાઇક લઈને આવ્યો હતો અને જણાવ્યું હતું કે હું માતર જ જાઉં છું ચાલો બેસી જાઓ.ત્યાર બાદ મંજુલાબેનને પોતાના ગામના જ યુવાનની મોટર બાઇકની સવારી મળતા તેઓ બેસી ગયા હતા.અને બાઇક ચાલક હિતેશ રણજીત પરમારે તેની બાઇક સરભાણ-આજમનગર રોડ ઉપર બંધ ઓઇલ મિલ પાસે ગાડીમાં પંચર હોવાનું કહી લઈ ગયો હતો.
જ્યાં હિતેશે મંજુલાબેનને લાત મારી પાડી દઈ તેનો એક પગ મંજુલાબેનના જમણા હાથ ઉપર તેમજ બીજો પગ ગળા ઉપર મૂકી કાનમાં પહેરેલી સોનાની બંને કડીઓ જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦ ખેંચી લીધી હતી. અને પાકિટમાંથી રોકડ રૂપિયા ૨૦૦ પણ કાઢી લઈ ધોળા દિવસે લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બાઇક લઈને ભાગી ગયો હતો.ત્યાર બાદ વૃદ્ધ મહિલા મંજુલાબેન બેભાન થઈ ગયા હતાં.થોડી વાર પછી ભાનમાં આવતા તેઓ ચાલતા ચાલતા લથડીયા ખાતાં આજમનગર રોડ ઉપર પહોંચ્યા હતાં.આમોદ પોલીસે વૃદ્ધ મહિલાની ફરિયાદ લઈ લૂંટારો હિતેશ રણજીત પરમારને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ