સાગબારાના દેવમોગરા ગામે બાઇક રોડ પરથી હટાવવા કહેવા જતા મંદિરે દર્શનાર્થે આવેલા બાર જેટલા ઈસમોએ પોલીસકર્મીને લાકડીના સપાટાથી ઢીકાપાટુંનો માર મારી ઇજાઓ પહોંચાડતા સાગબારા પોલીસ સ્ટેશનમાં આ બાર જેટલા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાઈ છે.
સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મથુર ઉબડીયા વસાવા ૨૬ જૂનના રવિવારના રોજ દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે વધુ લોકો આવતા હોવાથી બંદોબસ્તમાં હતા. સાંજના ૭ વાગ્યાના સમયે તેઓ પોતાની ફરજ પર પોતાની ખાનગી કારમાં પોતાના મિત્ર જોડે પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન આકડા સર્કલ નજીક આર.સી.સી રોડ પર પાંચ થી છ જેટલી બાઇક ઉભી હતી અને તે અન્ય વાહન ચાલકોને અડચણરૂપ થતા મથુર વસાવાએ પોતાની ફરજના ભાગ રૂપે તેમને આ મોટર સાઈકલ રસ્તા પરથી હટાવવા કીધું હતું. તે સમયે મોટરસાઈકલ પર સવાર આ દસ થી બાર જેટલા માણસોએ ફરજમાં રુકાવટ બની તમે પોલીસ છો તો તમે શું કરી લેવાના? એમ કહી મા – બેન સમી ગાળો બોલી એકદમ જીવલેણ હુમલો કરી દીધો હતો.
આ માણસો માંથી એક ઈસમે લોખંડનાં પંચ વડે હુમલો કરતા મથુર વસાવાને મો ના ભાગે મારતા લોહી લુહાણ કરી દીધો હતો. ત્યારબાદ આ તમામ બાઇક પર સવાર લોકો ત્યાંથી નીકળી ગયા હતા. પોલીસકર્મી મથુર વસાવાએ બે બાઈકનો નંબર લખી લઈ ડેડીયાપાડા પોલીસને જાણ કરતા ડેડીયાપાડા પોલીસે કણબીપીઠા પાસે આ પાંચ જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય ઈસમો ભાગી છૂટયા હતા. સાગબારા પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
સાગબારામાં દેવમોગરા ખાતે આદિવાસીની કુળદેવીનું મંદિર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે દેવમોગરા ખાતે છેલ્લા બે મહિનામાં મારમારીની આ બીજી મોટી ઘટના બનેલી છે. ત્યારે હવે પોલીસ કર્મીઓ ઉપર પણ આવા હુમલાઓ થતા આ ચિંતાનો વિષય બની ગયો છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)