
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષના રહેણાંક મકાનમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે 10 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક શખ્સને ઝડપી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુજરાત રાજ્યમાં નશાખોરીની પ્રવૃત્તિને અટકાવવા ભરૂચ એસ.ઓ.જી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષમાં રહેતો મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખ પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે.
એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસને ઘરના સોફાસેટના ખૂણામાંથી સેલોટેપ વીંટાળેલ બે પેકેટોમાંથી 10 કિલો 106 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નશીલા પદાર્થના સોદાગર મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખને ઝડપી પાડ્યો હતો. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હોવાની પુછપરછ કરતા તેણે સુરતના અશ્વિનીકુમાર ઝુપડપટ્ટીમાંથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.