
ભરૂચના રાજ જ્વેલર્સની સામે રિક્ષામાં લિફ્ટ આપી બે મહિલા મુસાફરોને મહિલા સહીત રિક્ષા ચાલકે વાતોમાં ભોળવી સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 99 હજારની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા. જેમાં પોલીસે તપાસ હાથ ધરી એક રિક્ષા ચાલક અને એક મહિલાની ધરપકડ કરી હતી.
ભરૂચના નવચોકી હેઠાણાં વિસ્તારમાં રહેતા વિલાસબેન રાજેશ યાદવ અને તેમના ઓળખીતા ભારતીબેન જાદવ નારાયણબાપુના આશ્રમથી બાઈક લઇ ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ભરૂચની આઈ.સી.આઈ.સી. બેંક પાસેથી રાજ જ્વેલર્સની સામે રિક્ષા ચાલકે તેમને બાઈકનું પૈડું હલતું હોવાનું કહી રિક્ષામાં લિફ્ટ આપી હતી.
જે રિક્ષામાં પહેલાથી બે મહિલા મુસાફર હાજર હતી. તે સમયે રિક્ષા ચાલકને રિક્ષામાં સવાર અન્ય મહિલાઓએ શક્તિનાથ કરિયાણું લેવાનું હોવાનું કહી શક્તિનાથ લઇ જતાં એક બાઈક ચાલક બે વાર રિક્ષા પાસે આવતાં રિક્ષા ચાલકે મહિલાઓને આ લૂંટવાની ફિરાકમાં હોવાનું કહી તેમણે પહેરેલા સોનાના ઘરેણાં પાકીટમાં મુકાવી દીધા હતા.
શક્તિનાથ આવતા અંદર સવાર બે મહિલા નીચે ઉતરી હતી અને પોતાનું પર્સ પડી ગયું હોવાનું કહી વિલાસબેન યાદવ અને ભારતીબેનના પાકીટમાં તપાસ કરવા લાગી હતી. તે દરમિયાન તે બંને મહિલાઓ નજર ચૂકવી સોનાના ઘરેણાં મળી કુલ 99 હજારની ચીલ ઝડપ કરી ફરાર થઇ ગઇ હતી.
આ ચીલઝડપ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તેમજ ચીલઝડપ કરી ફરાર થઇ ગયેલા રિક્ષા ચાલક મોહંમદ અસ્પાક મોહંમદ અબ્બાસ શેખ અને શાહીનબેન યાસીન શેખને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.