
ભરૂચના ઝનોર એનટીપીસી ટાઉનશીપમાં રાત્રીના સમયે તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવ્યાં હતાં. ઘરના દરવાજાનો અવાજ આવતાં પરિવાર જાગી જતાં પરિવારે સીઆઇએસએફને જાણ કરી હતી. ટુકડી આવતાં તસ્કરો ત્યાંથી રફૂચક્કર થઇ ગયાં હતાં. તપાસમાં નજીકમાં જ અન્ય એક બંધ મકાનમાં પણ તસ્કરો દરવાજો તોડ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, તેમને કાંઇ મળ્યું ન હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના ઝનોર રોડ પર આવેલી એનટીપીસી ટાઉનશીપમાં રાત્રીના સમયે તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. ટાઉનશીપમાં રહેતાં સિનિયર મેનેજર દશરથ પટેલ તેમના રૂમમાં સુઇ રહ્યાં હતાં. તે વેળાં રાત્રીના 3 કલાકના અરસામાં તેમના મકાનનો દરવાજો ખખડવાનો અવાજ આવતાં તે જાગી ગયાં હતાં. તેણે ચોરોને પડકારી સીઆઇએસએફને જાણ કરી હતી. જોકે, તેઓ ત્યાં પહોંચે તે પહેલાં જ તસ્કરો ત્યાંથી રફુચક્કર થઇ ગયાં હતાં.
સવારે તેમણે ટાઉનશીપમાં તપાસ કરતાં તેમની ગલીમાં જ રહેતાં અનુજકુમાર રામકુમારના બંધ મકાનમાં પણ તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી આખુ ઘર ફંફોસી લીધું હતું. જોકે, તસ્કરોને કાંઇ ન મળતાં તેમને વીલા મોઢે પરત જવું પડ્યું હતું. બનાવ અંગે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.