આમોદ તાલુકાના સરભાણ ગામે ગામ તળાવ તથા તલાવડીમાંથી ગેરકાયદે થયેલ માટી કૌભાંડ બાબતે ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા સરભાણ ગામના તત્કાલીન સરપંચ તથા ડેપ્યુટી સરપંચને ૫.૯૩ કરોડનો દંડ ભરવા નોટીસ ફટકારવામાં આવતાં આમોદ પંથકમાં ગેરકાયદે માટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આમોદ તાલુકામાં આવેલા સરભાણ ગામે આવેલા સર્વે નંબર ૮ તળાવ તથા સર્વે નંબર ૮૩૭ તલાવડીમાંથી ગેરકાયદેસર રીતે ૨,૪૦,૫૬૦ મેટ્રીક ટન સાદી માટીનું બિન અધિકૃત ખોદકામ કરવામાં આવ્યું હતું.જે બાબતે ૪ એપ્રિલ ૨૦૨૧ ના રોજ સ્થળ તપાસ કરવામાં આવી હતી.આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ,આમોદ તાલુકા વિકાસ અધિકારી તથા ખાણ ખનીજ વિભાગની સયુંક્ત ટીમ દ્વારા પણ સ્થળ તપાસ કરવામાં આવી હતી.જે તપાસ અહેવાલમાં જણાવ્યા મુજબ ગામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય અને તલાટી કમ મંત્રીની પણ જવાબદારી બનતી હોય બિન અધિકૃત ખોદકામ બાબતે નોટીસ પાઠવવામાં આવી હતી.જેથી માટી ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

તેમજ જો સાત દિવસમાં આધાર પુરાવા સાથે નોટીસનો ખુલાસો આપવા ખાણ ખનીજ વિભાગના અધિકારીએ ફરમાન કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાના સરભાણ ગામે થયેલા માટી કૌભાંડ બાબતે કોન્ટ્રાકટર ઉત્તમ છોટુભાઈ પટેલને દંડ ભરવા નોટીસ ફટકારવામાં આવી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here