
સરભાણ અને વાતરસા ગામે થયેલા માટી કૌભાંડમાં કસુરદારો સામે ફોજદારી ગુનો નોંધવા ડી.ડી.ઓ.ના હુકમ ના પગલે આમોદના ટી.ડી.ઓ.એ સરભાણ ગામની ગૌચર જમીનમા ગેરકાયદેસર રીતે માટી ખનન કરી રૂપીયા આઠ લાખ ચારસો અઢાર રૂપીયાની માટી ચોરીની ફરિયાદ ગત મોડી રાતના આમોદ પોલીસ મથકે નોંધાવી હતી.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ તેમજ વાતરસા ગામે થયેલા કરોડો રૂપિયાના માટી કૌભાંડમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ આમોદ તાલુકા વિકાસ અધિકારીને ૨૧ એપ્રિલના રોજ માટી કૌભાંડના કસુરદારો વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કર્યો હતો.છતાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીના હુકમ ના ૧૮ દિવસ બાદ પણ આમોદ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ ના નોંધાવતા ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ ગત રોજ ફરીથી સરભાણ અને વાતરસા ગામ પંચાયતના કસૂરદારો સામે ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો.આમોદ તાલુકાના વાતરસા ગામે આવેલી સર્વે નંબર ૧૨૨,૫૧૩ તથા ૩૨૫ વાળી જમીનમાં બિન અધિકૃત માટી ખનન કરવામાં આવ્યું હતું.જે બદલ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસ ટીમનો અહેવાલ પાન નંબર ૧ થી ૫૫ મોકલી ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.
જયારે સરભાણ ગામે સર્વે નંબર ૬૬૫ વાળી ગૌચરની જમીનમાં બિન અધિકૃત ખોદકામ અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ટીમનો ૧ થી ૪૧ પાનનો અહેવાલ મોકલી સરભાણ ગ્રામ પંચાયતના કસૂરદારો વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.ડીડીઓ ના હુકમના પગલે આમોદ તાલુકા વિકાસ અધિકારી સમીરભાઈ મોજણીદારે ગત મોડી રાતે આમોદ પોલીસ મથકે સરભાણ ગામ સ્થિત સર્વે નંબર ૬૬૫ ની ગૌચર જમીન મા ગત તારીખ ૧૩-૪- ૨૧ પહેલા જે તે સમયે ગ્રામ પંચાયત સરભાણના સંડોવાયેલ કસુરદારો એ કોઈ સરકારી કચેરી ની પરવાનગી લીધા વગર ખાણ ખનીજના નિયમોનો ભંગ કરી રોયલ્ટી કે પાસ પરમીટ વગર સાદી માટી ૪૫૭૩.૮૨ મેટ્રીક ટન કિ.રૂ.૮૦૦૪૧૮ નુ ગેરકાયદેસર ખનન કરી ચોરી કર્યા ની ફરિયાદ આપતા આમોદ પોલીસે ઈપીકો કલમ ૩૭૯ તથા માઈન્સ મીનરલ્સ ડેવલપમેન્ટ રેગ્યુલીટી એકટ ની કલમ ૨૧ અન્વયે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ