ભરૂચ જિલ્લામાં માત્ર 24 કલાકમાં જ પેટ્રોલપંપ પર લૂંટનો બીજો બનાવ બન્યો હતો. જેમાં પેટ્રોલ પંપ ઉપર લૂંટારૂ ત્રાટક્યા પણ લૂંટારૂઓ લૂંટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
ભરૂચ જિલ્લાના નબીપુર હિંગલ્લા રોડ ઉપર આવેલ બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર મધરાતે મોટરસાઇકલમાં પેટ્રોલ પુરાવાના બહાને બેઠી ત્રણ બુકાનીધારી લૂંટારૂઓ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા. કર્મચારી ઓફિસ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેની પાછળ લૂંટારૂઓ પણ પીછો કરવા લાગ્યા હતા. કર્મચારી તેમની પૂછપરછ કરે તે પહેલા લૂંટારૂઓએ પોતાની પાસેની બંદુક બતાવી કર્મચારીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારૂઓએ ફાયરિંગ પણ કરી નાખ્યું હતું .
જોકે આ દોડધામ દરમ્યાન બુમાબુમ થતાં લૂંટારુ નાસી છૂટ્યા હતા.સદનશીબે ઘટનામાં પેટ્રોલ પંપના કર્મચારીને કોઈપણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી. જયારે લૂંટારુઓ લૂંટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.આ ઘટનાની જાણ નબીપુર પોલીસને કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં જ પેટ્રોલપંપ પર લૂંટનો બીજો બનાવ બન્યો હતો જેને લઇને સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી.