ભરૂચ એલસીબીએ પાનોલી હાઇવે ઉપર ગોડાઉન ભાડે રાખી ચલાવાતાં કેમિકલ ચોરીના વેપલાને ઝડપી પાડ્યો છે. ભરૂચ એસ.પી. ડો. લીના પાટીલે જિલ્લામાં ઓર્ગેનાઇઝશન ક્રાઈમ કરતી ટોળકીઓ ઉપર નજર રાખવા સૂચના આપી હતી. 24 મેટ્રીક ટન કાચું તેલ કિંમત રૂપિયા 30.65 લાખ સાથે કુલ રૂ.41.23 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ પી.આઈ. બી.એન. સગર અને ટીમ સોમવારે રાતે હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા. પી.આઈ., પોસાઇ વાય.જી. ગઢવી, મહિપાલસિંહ ના ચેકીંગમાં પાનોલી પાસે લક્ષ્મી વજન કાંટા પાસે ગોડાઉન ભાડે રાખી કેમિકલ માફિયાઓ દ્વારા ચલાવાતો વેપલો રંગે હાથ પકડી પડાયો હતો.
એલસીબીએ સ્થળ પરથી રાજસ્થાનના હેમરાજ લિખામારામ ચૌધરી અને જીતેન્દ્ર રતિલાલ પ્રજપતિની ટેન્કરમાં મેટ્રીક ટન ચોરીનું ફેટી એસિડ સગેવગે કરતા ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી ચોરીનું 24 મેટ્રીક ટન કાચું તેલ કિંમત રૂ.30.65 લાખ, ટેન્કર, રોકડા 23500 અને 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 41 લાખ 23 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જ્યારે હાઇવે પરથી પસાર થતા ટેન્કર ચાલકો સાથે મળી કેમિકલ્સ સગેવગે કરવામાં મુખ્ય સૂત્રધાર દિનેશ પુરોહિત મારવાડીને વોન્ટેડ જાહેર કરાયો છે.