
વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને અદાલતે વીસ વર્ષની સખ્ત કેદનો ચુકાદો આપ્યો છે. ૧૭ વર્ષ અને ચાર માસની ભોગ બનનાર યુવતીને પસાચ હજાર વળતર તરીકે ચુકવવા માટે પણ અદાલતે આદેશ આપ્યો છે. તેમાં પણ અગાઉ કોઇ વળતર ચુકવવામાં આવેલ હોય તો આ રકમ તેમાંથી બાદ ન કરવાનો ખાસ ઉલ્લેખ પણ કરાયો છે.
વડોદરાના સિટી પોલીસ મથકમાં ૨૦૨૧ના એપ્રિલ મહિનામાં એક મહિલાએ તેની પૌત્રી સાથે બનેલી ઘટનાના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનાની તારીખ ૮મીએ સાડા ચાર વાગે તેમની પૌત્રી ઘરમાંથી કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. જે પરત ઘરે આવી ન હતી. આ અગાઉ પણ સગીર વયની પૌત્રી બે ત્રણ વાર ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી, પરંતુ તે પરત આવી જતી હતી. જેથી તેના નાનીએ પોલીસ ફરિયાદ તાત્કાલીક કરી ન હતી. તારીખ ૧૨મી એપ્રિલના રોજ આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ કરતાં અજય અલ્પેશભાઇ તડવી નામના વીસ વર્ષના યુવાનની તારીખ ૧૫મી એપ્રિલના રોજ ધરપકડ કરી હતી.
આ ઘટનામાં સગીર વયની યુવતીને લગ્નનું લાલચ આપીને અજય તડવીએ તેનું અપહરણ કરીને ભગાડી લઇ જઇ તેણીની મરજી વિરૂદ્ધ તેના પર અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ (પોક્સો)માં અધિક સત્ર ન્યાયાધીશ શકુન્તલાબેન સોલંકી સમક્ષ આ મામલે કેસ ચાલી જતાં અદાલતે વડોદરાના બેન્ક રોડ પર આવેલી જગમાલની પોળમાં ભક્તિકુંજ વાડીમાં રહેતા અજય અલ્પેશ તડવી (મૂળ રહે. આનંદપુરી ગામ, નસવાડી, જી. છોટાઉદેપુર)ને તકસીરવાન ઠેરવીને તેને વીસ વર્ષની સખ્ત કેદની સજા તથા પચાસ હજારનો દંડ ફટકાર્યો હતો.