
ભરૂચ એસ.ઓ.જી.એ અંકલેશ્વરના નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસેથી શંકાસ્પદ એસ.એસ.ની પાઇપોના જથ્થા સાથે બે ઇસમોને રૂ. ૬.૬૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એસ.ઓ.જીના પી.આઈ એ.એ.ચૌધરી અને પી.આઈ એ.એચ. છૈયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન બાતમી મળી હતી કે બોલેરો પીકઅપ ગાડીમાં શંકાસ્પદ એસ.એસ.ની પાઇપો ભરી વાલીયા ચોકડી તરફથી જથ્થો નોબલ માર્કેટમાં આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી બોલેરો પીકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ૮૦૦ કિલોગ્રામ એસ.એસ.ની પાઇપો મળી આવી હતી.
પોલીસે પીકઅપ ગાડીમાં સવાર બે ઈસમોને એસ.એસ.ની પાઇપો અંગે જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહી આપતા પોલીસે શંકાસ્પદ જથ્થો અને ગાડી મળી કુલ ૬.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી અંસાર માર્કેટની મદીના મસ્જીદ પાસે રહેતો રીઝવાન બકરીદી ખાન અને ઇસ્લામ અબ્દુલક્યુમ ખાનની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.