ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે આજે તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવવંદના કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી તરફથી મુખ્ય કારોબારી અધિકારી રવિશંકર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.ઉપસ્થિત ગાઇડ મયુર રાઉલ દ્વારા સંસ્કૃત ભાષામાં શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલ સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલી માટીમાંથી નિર્માણ પામેલ વોલ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી, બાદમાં સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન-કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન પણ તેઓએ રસપૂર્વક નિહાળ્યું હતું.

સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલ લોખંડમાંથી નિર્માણ કરવામાં આવેલ પ્રતિકૃતિની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો.મા નર્મદાના દર્શનથી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ કરી હતી, આ તકે પ્રતિમાના નિર્માણના તકનીકી પાસાંઓ સહિતની જરૂરી વિગતો ઉપરાષ્ટ્રપતિને પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી અર્પી અખંડ રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની ભાવવંદના કરી હતી.

ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિના ધર્મપત્ની શ્રીમતી ડૉ. સુદેશ ધનખડ, ગુજરાતના માનનીય રાજયપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રત, ગુજરાતના પ્રોટોકોલ રાજયમંત્રી જગદીષ વિશ્વકર્મા (પંચાલ) જોડાયા હતા.એકતાનગરની મુલાકાત દરમ્યાન જીલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જીલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, અધિક કલેકટર હિમાંશુ પરીખ, ધવલ જાની,સી.એ.ગાંધી, નાયબ કલેકટર શિવમ બારીયા, ડૉ. મયુર પરમાર સાથે રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here