
ભરૂચના સિંધવાઇ માતાજીને મહારાષ્ટ્રમાં સાકરી દેવી તરીકે માને છે અને મહારાષ્ટ્ર ના નાસિક, જલગાઉં,ત્રંમ્બકેશ્વર,પુણે જેવા અનેક શહેરોના લોકો કુળદેવી તરીકે પણ પૂજે છે.જેઓ નવરાત્રીમાં તેમજ અન્ય પ્રસંગે પણ અચુક અહીંયા દર્શન કરવા આવે છે.આ સિંધવાઇ માતા ભરૂચ શહેરની નગર દેવી તરીકે પણ ઓળખાય છે.
સિંધવાઇ માતાજીનું નવું મંદિર હાલ સિંધવાઇ સોસાયટી ભરૂચ ખાતે આવેલ છે. જ્યાં ગોસ્વામી પરિવાર તેમની ૨૬ મી પેઢીથી આજે માતાજીની સેવા પૂજા કરે છે. આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી માં માતાજીના જવારા નું સ્થાપન કરી પૂજા કરે છે નવરાત્રી ના નવ દિવસો માતાજીને અલગ અલગ શણગાર કરે છે અને નવ અખંડ જ્યોત પ્રજ્વલીત રહે છે.
ભરૂચ શહેરમાં શક્તિનાથ વિસ્તારમાં આવેલ શાક માર્કેટ પાસે સિંધવાઇ માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં પાતાળ કૂવો પણ આવેલો છે. જેમાં વર્ષો પહેલા ગોસ્વામી પેઢીના લોકો ફુરજા બંદરે વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે તેઓ ભરૂચમાં રહેતા અને તે વખતે પાંચબતીથી શ્રવણ ચોકડી સુધીનો સમગ્ર વિસ્તાર જાળી ઝાંખડા એટલે કે ઉજ્જડ જગ્યા જેવો હતો અને તે વખતે તોફાનમાં સિંધવાઈ માતાજીની પ્રતિમા ખંડિત ન થાય તે માટે જે તે વખતે શક્તિનાથ નજીક રહેલા એક પાતાળ કુવામાં માતાજીને સંતાડવામાં આવ્યા હતા.
આસો નવરાત્રિમાં હજારો ભક્તો પાતાળ કુવામાં સિંધવાઈ માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને એટલા માટે જ પાતાળ કુવા નજીક સિંધવાઈ માતાજીનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે જેની પૂજા અર્ચના કરવામાં આવે છે.