
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મંગળવારે સાંજે ફેસબુક લાઈવ કરી એક યુવાનને આત્મહત્યા કરતા બચાવ્યાના ગણતરીના કલાકમાં જ વડોદરા અમિતનગર ખાતે રહેતા ડોકટર 90 કિમી બાઇક હંકારી ઝાડેશ્વર કેબલ બ્રિજ પરથી આત્મહત્યા કરવા આવી પોહચ્યો હતો.
મંગળવારે રાત્રીના બાર વાગ્યાના સમયે ભરૂચ કંટ્રોલ રૂમ તરફથી ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક વર્ધી મળી હતી. એક યુવાન ઝાડેશ્વર કેબલ બ્રીજ ઉપર આત્મહત્યા કરવા જાય છે.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં છોડાતા પાણીના કારણે પહેલેથી જ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સુચના આધારે સી ડિવિઝન ઇન્ચાર્જ PI એચ.બી.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફ ફરજ ઉપર હતો.
તેઓ કેબલ બ્રીજ ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બ્રીજ ઉપર એક યુવાન ચાલતો-ચાલતો નદીમાંના પાણી તરફ જતો હતો. જેથી તેને પુછવા જતા તે તુરંત જ બ્રીજ ઉપરથી નદીમાં કુદવા જતા હતો. સર્વેલન્સ ટીમના માણસોએ સતર્કતા દાખવી દોડી યુવાનને બચાવી લઈ બ્રીજ ઉપર ખેચી બહાર કાઢ્યો હતો.આ યુવાનને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા તેઓ પોતે ડેન્ટીસ્ટ ડૉક્ટર હોય અને વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ અમીતનગર સર્કલ પાસે આવેલ બાલાજીનગર સોસાયટી ખાતેનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
પોતાના ઘરેથી રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે લગ્ન જીવનથી તથા ઘર-કંકાસથી કંટાળી જઇ વડોદરાથી બાઇક લઇને ભરૂચ ઝાડેશ્વર કેબલ બ્રીજ ખાતે આત્મહત્યા કરવા આવી ગયો હતો.જોકે આ યુવાનનું પોલીસ ઈન્સ્પેકટર એચ.બી.ગોહિલ દ્વારા કાઉન્સિલીંગ કરી તેના માતા-પિતાનો સપંર્ક કરી સમજાવી બેન – બનેવી અને પત્નીને સોંપવામાં આવ્યો હતો.