
ઝઘડિયામાં ગુરૂવારે સાંજથી ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચવા સાથે આકાશી વીજળી પડવાથી જીઆઇડીસીમાં આવેલી પેન્ટા ફોર્સ નામની કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.
ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં આકાશી વીજળી પડવાથી કંપની ભડ ભડ ભડકે બળી હોવાની પહેલી દુર્ઘટના ઝઘડિયા GIDC માંથી સામે આવી છે.
ભરૂચ જિલ્લામાં લાંબા સમયનાં વિરામ બાદ ગુરૂવારે સમી સાંજે ગાજવીજ સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના ચમકારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જોકે ભાદરવાના ગાજવીજ સાથે વરસેલા વરસાદે ઝઘડિયા GIDC માં એક કંપનીને ભડકે બાળી હતી. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં આકાશી વીજળી પડવાથી કંપની સળગી ઉઠવાની આ પ્રથમ ઘટના સામે આવતા લોકોમાં પણ ભારે અચરજ સર્જાયું છે.
ઝઘડિયા જીઆઇડીસીની પેન્ટાફોર્સ કંપનીમાં વીજળી પડવાથી ભિષણ આગ ભભૂકી ઉઠી હતી. ભારે પવન સાથે વરસતા વરસાદમાં વિજળી પડવાના કારણે પેન્ટાફોસ નામની કંપનીમાં આગ લાગી હોવાની ઘટનાએ સૌ કોઈને વિચાર વિમર્શ કરતા કરી દીધા છે.