
આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. ત્યારે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે જંબુસરના સર્કલ પોલીસ ઇન્સપેક્ટર બી.પી.રજયા, આમોદ પોલીસ સબ ઇન્સપેક્ટર જે.જી.કામળિયા.આમોદ નાયબ મામલતદાર,આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ,શહેર ભાજપ પ્રમુખ મહેશ શાહ સહિતના લોકોએ ગણપતિ મંદિરે આરતી ઉતારી હતી.ત્યાર બાદ રાણા સ્ટ્રીટ ગણપતિ દાદાના શોભાયાત્રાના ટ્રેકટર ઉપર આમોદ પી.એસ.આઈ.તથા નાયબ મામલતદારે શ્રીફળ વધેરી શોભાયાત્રાની શરૂઆત કરાવી હતી.
આમોદમાં ડી.જે.ના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત ટીમલી,રાસ,ગરબા,ફિલ્મી ગીતો ઉપર લોકો મનમૂકીને ઝૂમી ઉઠયા હતા.ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.તેમજ શોભાયાત્રામાં ભગવો ધ્વજ તેમજ તિરંગા ઝંડા સાથે શ્રીજી ભક્તોએ ધર્મભક્તિ અને દેશભક્તિ અદા કરી હતી.આમોદ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ મહેશ પટેલ સહિત ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના લોકોએ ગણપતિ દાદાને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.આ ઉપરાંત આમોદ પોલીસ મથકે ગણપતિ દાદાને આમોદ પોલીસ સબ ઇન્સપેક્ટર જે.જી કામળિયા સાથે એસ.આર.પી.ના જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી.
ગણપતિ દાદાન મંદિરથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી. સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજો ના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી.આમોદ પાલિકા દ્વારા મોટા તળાવ ખાતે તરાપા,તરવૈયા,લાઇટિંગ તેમજ મોટી ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી હતી.ગણેશ વિસર્જનને લઇને કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જેમાં એસ.પી.૧, એ.એસ.પી.૧, પી.આઈ.૪, પી.એસ.આઈ.૭ સહિત ૩૧૦ પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ,જી.આર.ડી.જવાનોનો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
* રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ