
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસે આવેલા સારસા માતાજીના ડુંગરથી રાજપારડી નગર સુધી અંદાજે ૨ કી.મી.સુધીના વિસ્તારમાં સમાપાંચમનો ભવ્ય મેળો ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા હૈયે થી હૈયુ દળાયુ હોઇ તેવા દ્રશ્યો સર્જાયા હતા.
પાછલા બે વર્ષના કોરોનાકાળ દરમિયાન કોવીડની ગાઇડ લાઇન મુજબ વિવિધ પ્રકારની ઉજવણીઓ, મેળાઓ,વધારે લોકો એકત્રિત થાય તેવા પ્રસંગો બંધ રહ્યા હતા હવે કોરોનાના કેશો ઘટતા લોકો બે વર્ષ બાદ ઉજવણીઓ કરી મનમુકીને હરવા-ફરવા જઇ રહ્યા છે.
ત્યારે ઝઘડીયા તાલુકાના રાજપારડી નગર થી નેત્રંગ તરફ જતા રસ્તા ઉપર અતિ પ્રાચિન ડુંગર આવેલોછે ડુંગરની ઉપર સારસાઇ માતાજી બિરાજેલા હોઇ આ ડુંગર સારસા માતાજીનો ડુંગર તરીકે ઓળખાયછે ડુંગરની નીચેથી લઇને છેક રાજપારડી ગામ સુધી અંદાજે ૨ કી.મી.ના વિસ્તારમાં મેળો ભરાય છે. દર વર્ષે ભાદરવા માસમાં સમા પાંચમના દિવસે પરંપરાગત ભવ્ય મેળો ભરાય છે.
સારસાઇ માતાજીનો મહિમાં અપરંપારછે અત્રેના ડુંગર ઉપર આવેલા મંદિરે આજુબાજુના ગ્રામિણ વિસ્તારોના તેમજ દુરદુરથી શ્રધ્ધાળુઓ તેમની બાધાઓ પુર્ણ કરવા આવે છે. ભાદરવા માસમાં મેળાના દિવસે શ્રધ્ધાળુઓનુ ઘોડાપુર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
પાંચમના મેળામાં રાજપારડી પોલીસ દ્વારા ટ્રાફિકનુ સફળતાપૂર્વક સંચાલન કરાયું હતુ અને મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેમાટે ભરૂચ જીલ્લા પોલીસના ઉચ્ચસ્તરીય હોદ્દાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજપારડીના પી.એસ.આઇ.જી.આઇ.રાઠોડ, સહિત ૩ અન્ય પી.એસ.આઇ.,૧ પી.આઇ. સહિત પોલીસ સ્ટાફના કોન્સટેબલો અંદાજે ૧૫૦ જેટલા જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ નહિ બનતા તંત્રએ હાશકારો લીધો હતો.
- રિપોર્ટર : ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી