- મહિલા તલાટી તેઓના પતિ અને ચાર વર્ષની બાળકીનું મોત નીપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ
રાજપીપળાના વડીયા ગામ પાસે આવેલ સત્યમ નગરમાં રહેતા નિવૃત પોલીસ અધિકારી લવઘણ ઉક્ક્ડીયાભાઈ વસાવાનો ૩૪ વર્ષીય પુત્ર સંદીપકુમાર લવઘણ વસાવા નેત્રંગ ગામના માંડવી રોડ ઉપર આવેલ ગોકુળધામ ખાતે પત્ની યોગીતાબેન સંદીપકુમાર વસાવા અને ૩ વર્ષીય પુત્રી માહી સાથે રહે છે.પત્ની યોગીતાબેન વસાવા કામલીયા ગામ ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે સેવા બજાવે છે.જેઓ ગતરોજ પતિ સંદીપ વસાવા સાથે ગાડી નંબર-જી.જે.૨૩.એ.એન.૨૫૩૯ લઇ કોડવાવ નજીક આવેલ ગજાનંદ હોટલ ખાતે જમવા ગયા હતા.ત્યાંથી ઘરે પરત આવી રહ્યા હતા.
દરમિયાન નેત્રંગ-ડેડીયાપાડા માર્ગ ઉપર કુપ ગામના બસ સ્ટેન્ડ પાસે ખાડામાં ટાયર પડતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર બલદવા ડેમની ખાડીમાં ખાબકી હતી.અકસ્માતમાં કારમાં સવાર દંપતી અને ૩ વર્ષની પુત્રી ડુબી જતા તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે નેત્રંગ પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી મૃતકોના મૃતદેહને પીએમ અર્થે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે માર્ગ ઉપર પડેલ ખાડો એક પરિવારના ત્રણ સભ્યોને ભરખી જતા પરીવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
- રિપોર્ટર : ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ