ભરૂચમાં ગણેશ ચતુર્થીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે યુનિટી બ્લડ સેન્ટર અને એક હોટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યુનિટી બ્લડ બેન્કમાં સિક્લસેલ, થેલેસેમિયાના દર્દીઓને તેમજ દેશના શહીદ જવાનોના પરિવારજનોને વિનામૂલ્યે લોહી આપવામાં આવશે. અન્ના હજારેએ કેજરીવાલને લખેલા પત્ર સંદેભે ભાજપ પ્રદેશ અધ્યકક્ષે કેજરીવાલ પહેલેથી જ ગરબડ અને દેશ માટે કાયમ ગરબડી કરતા જ રહેશેનું નિવેદન આપ્યું હતું.
ભરૂચ જિલ્લામાં બુધવારે તમામ આધુનિક સુવિધા અને સ્ટાફ સાથે 24 કલાક સેવારત રહેનાર યુનિટી બ્લડ સેન્ટરનું સેવાશ્રમ ઇમરલેન્ડ બિઝનેસ હબ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્દઘાટનમાં વિધાનસભા દંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, મારૂતિસિંહ અટોદરિયા, ઘનશ્યામ પટેલ, ભરતસિંહ પરમાર, નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા લીના પાટીલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રીન એન્વાયરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટથી શૈલેષ વેરિભાઈ પટેલ અને તેમના સહયોગી મિત્રો પૈકી કમલેશભાઈ પટેલ અને વાજીદભાઈ જમાદાર દ્વારા લોક સેવા માટે હવે એ દરેક પ્રકારનું લોહી તથા લોહીના ભાગો ભરૂચમા ઉપલબ્ધ કરાવવા યુનિટી બ્લડ સેન્ટરનો પ્રારંભ કરાયો છે.
જિલ્લાની આ પ્રથમ બ્લડ બેન્ક જે સ્ટાફ સાથે 24 કલાક સેવામાં કાર્યરત રહેશે. તમામ પ્રકારના લોહી તથા લોહીના ભાગો જે હાલ માં ભરૂચ જિલ્લામાં ઉપલબ્ધ નથી એ તમામ લોહીના ભાગો અહિયાં મળી રહેશે.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પટેલે બાદમાં હયાત પ્લેસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં તેઓએ અન્ના હજારે એ દિલ્હી મુખ્યમંત્રીને લખેલા પત્ર ઉપર નિવેદન આપતા કહ્યું હતું કે, જે પોતે ખુરશીમાં ગરબડ છે કહેતા હતા આજે તે અરવિંદ કેજરીવાલ પોતે જ એક ગરબડ છે અને દેશ માટે હંમેશા ગરબડી કરતા રહેશે.