
ભરૂચ જીલ્લા સહકારી સંઘ દ્વારા જીલ્લા ખરીદ વેચાણ સંઘ અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેકટર અને હોદ્દેદારો માટે સહકારી તાલીમ સેમિનાર ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંકના ચેરમેન અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં બેંકના સભાખંડમાં યોજાયો હતો.
ભરૂચ જીલ્લા સહકારી સંઘ જીલ્લાની સહકારી પ્રવૃત્તિઓને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. અવાર-નવાર શૈક્ષણિક તાલીમ શિબિરો યોજી સહકારી સંસ્થાઓના કર્મચારીઓ અને હોદ્દેદારોને હિસાબી તથા સંચાલન માટેનું કાયદાકીય માર્ગદર્શન પુરૂં પાડે છે. તાજેતરમાં ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો-ઓ. બેંકના સભાખંડમાં રાજ્યમાં પ્રથમ વખત જીલ્લા અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેકટરો અને હોદ્દેદારો માટે સહકારી તાલીમ સેમિનાર યોજાયો હતો.
વાગરાના ધારાસભ્ય અને ભરૂચ ડીસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંકના ચેરમેન અરૂણસિંહની અધ્યક્ષતામાં યોજાયેલ સહકારી તાલીમ શિબિરમાં ગુજકોમાસોલના ડિરેકટર ચંદ્રકાંતભાઈ પટેલ તથા સુનીલભાઈ પટેલ, અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના ચેરમેન તથા ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંકના વાઇસ ચેરમેન કરસનભાઈ પટેલ, ભરૂચ જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના ચેરમેન દિલીપભાઈ પટેલ, ભરૂચ ડી.સે.કો.ઓપ.બેંકના CEO અને ભરૂચ જીલ્લા સહકારી સંઘના ડિરેક્ટર રજનીકાંતભાઈ રાવલ, ભરૂચ જીલ્લા સહકારી સંઘના ચેરમેન જયંતીભાઈ પટેલ, ઉપપ્રમુખ વત્સલાબેન વસાવા, માનદ્ મંત્રી રવિન્દ્રસિંહ રણા તથા ભરૂચ મહિલા સમિતિ પ્રમુખ નીરૂબેન આહિર સહિત જીલ્લા અને તાલુકા ખરીદ-વેચાણ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારમાં વિશેષ તજજ્ઞ તરીકે ભરૂચ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી ભરૂચના પી.બી. કણકોટિયાએ સહકારી સંસ્થાઓને લાગુ પડતી સહકારી કાયદાની કલમો વિષે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી સરદાર બારડોલી તાલુકા ખેડૂત સહ.ખ.વે.સંઘ.મંડળીના મેનેજર ગીરીશભાઈ પટેલે પણ પોતાની સંસ્થાની કામગીરીનો ચિતાર આપી ઉપસ્થિત સહકારી આગેવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે તેમણે ખરીદ વેચાણ સંઘ કઈ રીતે વિવિધ વ્યાપારીક કામગીરી કરી સંસ્થાનો વિકાસ કરી શકે તે માટે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.