
અંકલેશ્વર શહેરમાં મોદીનગર પાસેથી પસાર થતી ગણેશજીની શોભાયાત્રામાં એક કાર ચાલક બેકાબુ બનતા ત્રણથી ચાર લોકોને અડફેટમાં લીધા હતાં. જેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે આ સમગ્ર બનાવ રીસ રાખીને હત્યાનો પ્રયાસ હોવાનું બહાર આવતાં ચકચાર મચી જવા પામી હતી.
ગણેશજી સ્થાપનના ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગણેશ અયોજકો પોતાના મંડળની ગણેશની પ્રતિમાઓ ડીજે સાથે વાજતે ગાજતે લાવી રહ્યા છે. ગઈકાલે રવિવારના રોજ પણ અંકલેશ્વર શહેરમાં અનેક મંડળોની ગણેશજીની શોભાયાત્રાઓ નીકળી હતી. લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. ત્યારે અંકલેશ્વર ભરૂચી નાકાના મોદીનગર વિસ્તારમાં એક કાર ચાલક બેકાબુ બન્યો હતો. આ કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ગણેશજીની નીકળેલી શોભાયાત્રામાં ઘૂસાડી દઈને ત્રણથી ચાર લોકોને અડફેટમાં લેતા ઇજાઓ પહોંચી હતી. જો કે સદનસીબે કાર ઉભી રહી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ સમયે શોભાયાત્રામાં હાજર લોકો ઉશ્કેરાયા હતાં. પરંતુ આ સમયે ત્યાં હાજર શહેર પોલીસના સ્ટાફે તાત્કાલિક ત્યાં દોડી આવીને મામલાને થાળે પાડયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે,નવા બોરભાઠા ગામમાં રહેતા મુકેશ લલ્લુભાઈ વસાવા બિટીપીના વોટ્સએપ ગ્રુપમાં સભ્ય છે. જેમાં નવા દિવા ગામનો આરોપી કિશન મનાભાઈ વસાવાએ મુકેશ લલ્લુ બીજેપીનો દલાલ શું આદિવાસીઓનું ભલું કરવાનો તેવી BTP ગ્રુપમાં કોમેન્ટ કરીને લખ્યું હતું. જે અંગે મુકેશ તેના ઘરે કહેવા ગયો હતો. જેની રીસ રાખીને ગત રાત્રીના મુકેશ તેના ભાઈઓ સાથે ભરૂચી નાકા ઉપર ગણેશની શોભાયાત્રા જોવા ઉભો.હતો. તે સમયે કિશન વસાવાએ મુકેશ ઉપર કાર ચઢાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. જો કે તે સાઇડ પર કુદી જતાં તે બચી ગયો હતો. પરંતુ તેને હાથમાં ફેક્ચર થયું હતું. જો કે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે 307નો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.