ભરૂચમાં નર્મદા ડેમમાંથી છોડાતા પાણીના પગલે આજે ગુરૂવારે ગોલ્ડનબ્રિજે મહત્તમ સપાટી સવારે 6 કલાકે 27.94 ફૂટ સુધી સ્પર્શી હતી. પૂરના પગલે ભરૂચ શહેરના કાંઠા વિસ્તારમાંથી 418 અને અંકલેશ્વરના કાંઠાના ગામોમાંથી 705 નું મળી કુલ 1123 લોકોના સ્થળાંતર કરાવવાની તંત્રને ફરજ પડી હતી.
મધ્યપ્રદેશમાં વરસાદનું જોમ ઓછું થતા અને પાણીનો પ્રવાહમાં મોટો ઘટાડો કરાતા સરદાર સરોવર ડેમમાંથી નદીમાં હવે બે લાખ ક્યુસેક જેટલું પાણી ઓછું છોડાઈ રહ્યું છે. જેના કારણે ભરૂચ ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી બપોરે 12 કલાકે ઘટીને 27.56 ફૂટ નોંધાઇ છે.
સવારે નર્મદાના પુરના પાણી ભરૂચના દાંડિયા બજાર ખાતે સ્મશાનના પગથિયાં સુધી સ્પર્શી ગયા હતા. જ્યારે ફુરજા બંદરે પુરના પાણી શહેરમાં 100 થી 200 મીટર સુધી આવી ગયા હતા. પુરના પાણી ફુરજા બંદરને ધમરોળવા વચ્ચે એક અજાણ્યા યુવાને તેમાં પડ્યો હોવાની ઘટના બહાર આવી હતી. જેને ભરૂચ પાલિકાના 4 ફાયર ફાઈટરોએ રેશ્ક્યુ કરી તેને બહાર કાઢી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે ટુંકી સારવારમાં જ આ યુવાનનું મોત થયું હતું. હવે ધીમે ધીમે પુરના પાણી ઓસરતા કાંઠાની પ્રજા અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.