ટંકારીયા ગામમાં પંચાયતની લાપરવાહીના કારણે ગંદકીથી ખદબદતા અને તીવ્ર દુર્ગંધ મારતા તળાવની વચ્ચે આંગણવાડી અને કન્યાશાળા ચાલી રહી છે. જ્યાં ભૂલકાઓ અને માસૂમ બાળાઓને સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. જિલ્લા કલેકટર સહિત જિલ્લા વહીવટી તંત્ર પણ આ કિસ્સામાં આંખ આડા કાન કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ભરૂચ તાલુકાનું ટંકારીયા ગામ અગાઉ ગાયોની કતલ અને જુગાર સહિતના કિસ્સાઓમાં બદનામ થઈ ચૂક્યું છે. પોલીસ પર હુમલાઓ બનાવ પણ અહીં બની ચુક્યા છે. આ ગામની હાક અને ધાકના કારણે પોલીસ અને વહીવટી તંત્ર કોઈ પણ કાર્યવાહીમાં ઉદાસીન વલણ આપનાવે છે. આવી જ ઘોર ઉદાસીનતાનો વધુ એક ગંભીર કિસ્સો બહાર આવ્યો છે. પંચાયત અને તંત્રની ઉદાસીનતાના કારણે આંગણવાડીમાં ભણતા ભૂલકાઓ અને કન્યાશાળામાં ભણતી માસૂમ બાળાઓના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. માસુમોનું શૈક્ષણિક જીવન દુર્ગંધ મારતા કાદવ કિચ્ચડમાં રગદોળાઈ રહ્યું છે.
ટંકારીયા ગામમાં નાના પાદર વિસ્તારમાં વર્ષો પહેલા રમત ગમતનું મેદાન હતું. આ મેદાનમાં જ આંગણવાડી અને બ્રાન્ચ કન્યાશાળા છે. એક સમયે શાળામાં ભણતી કન્યાઓ અને ભૂલકાઓ આ મેદાનમાં રમતા હતા. પરંતુ પંચાયતની ઉદાસીનતાના કારણે હાલ આ મેદાન ગંદકીથી ખદબદતા તળાવમાં બદલાઈ ગયું છે. આંગણવાડી અને કન્યાશાળા આ ગંદકીની વચ્ચે ચાલે છે. જેના કારણે ભૂલકાઓ અને માસૂમ બાળાઓના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. બરાબર આંગણવાડીની બાજુમાં જ કિચ્ચડમાં વીજ કમ્પનીની ડીપી પણ છે. જેનાથી ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના છે. ગામની ગટર લાઇનને તોડી ગંદા અને દુર્ગન્ધ મારતા પાણીનો આ મેદાનમાં નિકાલ કરાયો હોવાની ફરિયાદ પંચાયતના જ સભ્ય ડાહ્યાભાઈ રોહિતે ઉઠાવી છે.
ડાહ્યાભાઈ રોહિતના કહેવા મુજબ તેમણે પંચાયતથી લઈ જિલ્લા કલેકટરના ફરિયાદ નિવારણ સુધી રજૂઆતો કરી છે. આમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી. જે દેશમાં ભૂલકાઓનું ભવિષ્ય જ કાદવ કિચ્ચડમાં રગદોળાતું હોય ત્યાં સ્વચ્છતાની વાતો પોકળ છે તેવા આક્ષેપ સાથે ડાહ્યાભાઈ રોહિતે ભૂલકાઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે નક્કર પગલાં લે છે કે નહીં.