
ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સમાં 110 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતાં કલાસમાં 135 થી 140 વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતાં હોવાથી વિદ્યાર્થીઓને જમીન પર બેસી ભણવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થાની સાથે સાથે માળખાકીય સુવિધાઓ પણ કથળી રહી છે તેમ લાગી રહયું છે. ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સમાં વિદ્યાર્થીઓને જમીન પર બેસીને અભ્યાસ કરવા મજબુર થયાની હોવાની ફરિયાદ આચાર્યને કરવામાં આવી છે.
એમ.કે.કોલેજ ઓફ કોમર્સ કોલેજમાં એક વર્ગખંડમાં 110 જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તેમ હોવા છતાં 135 થી 140 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહયાં છે. જેના કારણે કેટલાય વિદ્યાર્થીઓને જમીન પર બેસી ભણવાનો વારો આવી રહયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓને પડતી અગવડના સંદર્ભમાં આચાર્યને રજુઆત કરી છે. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે નવી બેચ શરૂ કરવાની માંગ કરાય છે. જો બે દિવસમાં નકકર પગલાં ભરવામાં નહી આવે તો ABVP દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.